તણાવ વચ્ચે ભુજ સહિત 28 એરપોર્ટ 9 મે સુધી બંધ

28 airports including Bhuj closed till May 9 amid tension 28 airports including Bhuj closed till May 9 amid tension

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પહેલગામ આતંકી હુમલાના 15 દિવસ બાદ ભારતે મંગળવારે મધરાતે પાકિસ્તાન અને પાક માં 9 આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ “ઓપરેશન સિંદૂર“માં લગભગ 100થી વધુ આતંકવાદીઓના મૃત્યુ થયા છે. આ પગલાંના પગલે ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ ખૂબ વધી ગયો છે, અને તેના પગલે કેન્દ્ર સરકારે સુરક્ષા દ્રષ્ટિએ દેશના 8 રાજ્યોના કુલ 28 એરપોર્ટ તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ બંધનો અસર મોટા ભાગે સરહદી અને સંવેદનશીલ વિસ્તારોના એરપોર્ટ પર પડ્યો છે. જેમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, દિલ્હી એરપોર્ટ પરથી પણ 135 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

કયા કયા એરપોર્ટ બંધ?

સરકારના આ નિર્ણયમાં જે મહત્વના એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે તેમાં શ્રીનગર, જમ્મુ, લેહ, અમૃતસર, ચંડીગઢ, જોધપુર, ભુજ, જામનગર, ધર્મશાલા, રાજકોટ અને ગ્વાલિયર વગેરેના નામ આવે છે. ખાસ કરીને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત જેવા તટીય અને સરહદી રાજ્યોને વધુ પ્રભાવિત કરવામાં આવ્યા છે.

એરલાઇન્સ પર અસર:

એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસજેટ, અકાસા એર, અને વિદેશી એરલાઇન્સે મળીને 430 જેટલી ફ્લાઇટ્સ રદ કરી છે. આ ભારતીય દૈનિક ફ્લાઇટ સંખ્યાના લગભગ 3% જેટલી છે. બીજી તરફ, પાકિસ્તાનમાં પણ 147 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જે તેમની દૈનિક હવાઇ વ્યવહારનો 17% બને છે.

શાળાઓ અને સરકારી કામગીરી પર અસર:

પંજાબ, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં સરહદી વિસ્તારોમાં શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. સાથે જ પોલીસ, વહીવટી અને આરોગ્ય વિભાગના અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે.

પંજાબ:
ફિરોઝપુર, અમૃતસર, પઠાણકોટ, ફાઝિલ્કા, ગુરદાસપુર અને તરનતારન જેવા 6 જિલ્લાના તમામ શાળા બંધ. સરકારી કાર્યક્રમો મુલતવી રાખાયા.

હરિયાણા:
ડોક્ટરોને standby રાખીને આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદ. હોસ્પિટલોને 25% પથારી ઇમર્જન્સી માટે અનામત રાખવાનો આદેશ.

રાજસ્થાન:
શ્રીગંગાનગર, બિકાનેર, જેસલમેર અને બાડમેર જિલ્લામાં શાળાઓ બંધ. CM ભજનલાલ શર્માએ પોલીસ રજાઓ રદ કરીને સુરક્ષા વધારવાની સૂચના આપી.

સૈનિકોને ટેકો – ટિકિટ રદફેર પર રિફંડ:

એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે સશસ્ત્ર દળના કર્મચારીઓને ટિકિટ રદફેર પર સંપૂર્ણ રિફંડ આપવાની જાહેરાત કરી છે.
જે સૈનિકો 31 મે સુધીની મુસાફરી માટે ટિકિટ બુક કરાવી હતી, તેઓને સંપૂર્ણ રિફંડ મળશે. સાથે જ 30 જૂન સુધી એકવાર મફત રિશિડ્યુલિંગ પણ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ ફ્લાઇટ અપડેટ્સ:

  • એર ઇન્ડિયાએ 10 મે સવારે 5:29 સુધી 9 શહેરોની બધી ફ્લાઇટ્સ રદ કરી – જેમ કે જમ્મુ, શ્રીનગર, ભુજ, જામનગર, ચંડીગઢ.
  • ઇન્ડિગોએ પણ 11 શહેરોની ફ્લાઇટ્સ રદ કરી – જેમાં ધર્મશાલા, બિકાનેર, ગ્વાલિયર અને કિશનગઢ પણ છે.
  • માત્ર ઇન્ડિગો એકલી 165 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરી રહી છે.
  • દિલ્હી એરપોર્ટે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ એરપોર્ટ આવતાં પહેલાં ફ્લાઇટ સ્ટેટસ ચકાસે.

આ સમગ્ર સ્થિતિમાં દેશભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કાર્યરત છે. “ઓપરેશન સિંદૂર” બાદ ભારતના તટવર્તી અને સરહદી રાજ્યો હાઈ એલર્ટ પર છે અને સરકાર તમામ દિશાઓથી શસ્ત્રબળ અને લોકસુરક્ષા માટે કામગીરી સક્રિય બનાવી રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *