ગાંધીધામ ટુડે, ન્યૂઝ : હાલની સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાને લઇ સોશિયલ મીડિયા પર સાયબર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. આ જ દરમ્યાન લખપત તાલુકાના નારાયણ સરોવર વિસ્તારમાં રહેતા 21 વર્ષીય યુવક અકબર રજાક સોઢાએ ઇન્સ્ટાગ્રામ પર કરેલી એક પ્રવૃત્તિના કારણે મુશ્કેલીમાં મુકાયો છે.
યુવકે ઇન્સ્ટાગ્રામ પર પાકિસ્તાની આર્મીની ટેન્કો ટ્રેનમાં જતી હોવાની એક વિવાદાસ્પદ રીલ 8મી તારીખે લાઈક કરી હતી. આ બાબતે ભુજ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસમાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ અનુસાર, આજની પરિસ્થિતિમાં આવી પ્રવૃત્તિ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા સામે હોઈ શકે છે અને જાહેર વ્યવસ્થાને ખોરવવાનું કામ કરી શકે છે. જેથી આ ઘટનાને ગંભીરતાથી લઇ અધિકારીઓ દ્વારા યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને તેની અટકાયત પણ કરાઇ છે.
આ કેસ સૌને એ ચેતવણી આપે છે કે સોશિયલ મીડિયા પર કેટલી પણ નાની લાગતી ક્રિયાઓ પણ કાયદેસર પરિણામો લાવી શકે છે. ખાસ કરીને દેશની સુરક્ષા અને સમારસ્યને અસર કરતી પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવું જરૂરી છે.