ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી અને યુદ્ધ જેવી પરિસ્થિતિ બાદ દેશભરમાં રાષ્ટ્રીયતા અને દેશભક્તિના ભાવના ઉચી છે. ખાસ કરીને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ અને પાકિસ્તાન તરફથી થતા ઘૂસણખોરીના પગલે ભારતે કડક પગલાં લીધા છે. ભારત દ્વારા આંતકવાદ વિરુદ્ધ શરૂ કરેલી આ લડતને આંતરરાષ્ટ્રીય સ્તરે મળતું સમર્થન ઘણું મહત્વપૂર્ણ છે, પણ દુઃખની વાત એ છે કે તુર્કી, ચીન અને અજરબેઝાન પાકિસ્તાનની બાજુએ ઊભા રહ્યા છે. જેના વિરોધમાં હવે દેશમાં આ દેશોનો સદંતર બહિષ્કાર શરૂ થયો છે.
કચ્છના ટૂર ઑપરેટર્સએ પણ એકજૂટ થઈને નિર્ણય લીધો છે કે હવે આ ત્રણેય દેશોના પ્રવાસ પેકેજો આપવાનું બંધ કરાશે. ટૂર ઓપરેટર્સે પર્યટકોને પણ અપીલ કરી છે કે ચીન, તુર્કી અને અજરબેઝાન જેવા દેશોમાં ફરવા ન જાય અને દેશહિતમાં તેમના પ્રવાસનો પણ ત્યાગ કરે.
ટૂર ઓપરેટર્સનું કહેવું છે કે ચીન, જે પાકિસ્તાનને હથિયારોથી લઈને ટેક્નોલોજી સુધી સહાય કરે છે, તેના પ્રત્યે આપણે આર્થિક રીતે ઘા કરવો જોઈએ. કચ્છના વિસ્તારમાં તાજેતરમાં જે ડ્રોન પકડાયા છે, તે ચીન અને તુર્કીથી આવેલા હોવાનું ખુલ્યું છે. આવા દેશો કે જેઓ આતંકવાદને સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહન આપે છે, તેમના વિરુદ્ધ સામાન્ય નાગરિક પણ અવાજ ઉઠાવે તો તે એક મોટી અસર કરે છે.
અંતે, ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર, તુર્કી-અજરબેઝાનના પ્રવાસનો ત્યાગ અને દેશના પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવું એ પણ રાષ્ટ્રસેવાના સચોટ માર્ગો છે. કચ્છમાં ભવ્ય કાંઠો, રણોત્સવ, ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યના અનેક સંભારણાં છે, જેને દેશી અને વિદેશી પર્યટકો વધુમાં વધુ પસંદ કરે છે.
વડાપ્રધાનશ્રીના તાજા નિવેદન પ્રમાણે “લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી,” તેવી જ રીતે “આંતકવાદ અને ટુરિઝમ” પણ સાથે થઈ શકે નહીં – એ વાતને સમજીને ટૂર ઓપરેટરો અને નાગરિકોએ દેશહિતમાં યોગ્ય પગલું ભર્યું છે.