ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કોરોના બાદ શાંત પડેલા મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના કેસો ફરી એકવાર ગુજરાતમાં ચિંતા જગાવા લાગ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસ દરમિયાન બ્લેક ફંગસના બે દર્દીઓ દાખલ થતા તંત્ર દોડતુ થઇ ગયું છે. બંને દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં રાખવામાં આવ્યા છે અને એક દર્દીની આંખ કાઢવી પડી છે.
ફૂગ નાકના સાઇનસમાંથી આંખ અને પછી મગજ સુધી પહોંચે છે. જો યોગ્ય સમયે સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે. અગાઉ કોરોનાકાળ દરમિયાન ડાયાબિટીસ, ઓક્સિજન, સ્ટેરોઇડ તથા રેમડેસિવિરના ઇન્જેક્શનના કારણે મોટા પ્રમાણમાં લોકોમાં બ્લેક ફંગસના કેસ જોવા મળ્યા હતા.
ગાંધીનગરના વાણસ ગામના 55 વર્ષના દર્દીનું સારવાર દરમિયાન જણાવાયું કે તેમને સાઇનસમાંથી ફૂગની શરૂઆત થઈ હતી. બે જ દિવસમાં આંખ સુધી ફેલાતા આંખમાં સોજો અને દુખાવા સાથે ગંભીર સ્થિતિ ઉભી થઈ. તપાસમાં બ્લેક ફંગસ હોવાનું નિદાન થતા તેમને તાત્કાલિક ICUમાં ખસેડાયા. ફૂગ વધુ ન ફેલાય એ માટે ડાબી આંખ કાઢવી પડી.
બીજા કેસમાં કડી શહેરના 60 વર્ષના દર્દીને પણ નાક અને આંખના ભાગે તીવ્ર દુઃખાવો અને સોજો અનુભવાયો હતો. તેમને પણ ગંભીર સ્થિતિમાં સારવાર આપવા આવી. ઓપ્થેલ્મો વિભાગના ડૉ. જીગીશ દેસાઇ અને તેમની ટીમે તાત્કાલિક પગલાં લઈ તેમની આંખ કાઢી નાખી હતી જેથી ફૂગ મગજ સુધી ન જઈ શકે.
બ્લેક ફંગસ માટેની સારવાર અત્યંત ખર્ચાળ અને લાંબી હોય છે. એક દિવસમાં સાત એન્ટી ફંગલ ઇન્જેક્શન આપવામાં આવે છે અને દરેક ઇન્જેક્શનની કિંમત લગભગ 2000 રૂપિયા જેટલી હોય છે. કુલ મળીને 21 દિવસ સુધી ચાલતી આ સારવારનો ખર્ચ સરકાર દ્વારા વહન કરવામાં આવી રહ્યો છે.
હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેડિસિન, ENT અને ઓપ્થેલ્મો વિભાગ દ્વારા તમામ શંકાસ્પદ કેસોની નિગરાણી વધી છે. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
ડૉ. શશી મુદ્રાએ જણાવ્યું કે હાલના બંને કેસોમાં મુખ્ય કારણ અનિયંત્રિત ડાયાબિટીસ અને ઘટતી રોગપ્રતિકારક શક્તિ છે. નાકમાં ફૂગના લક્ષણો દેખાતાં તરત સારવાર લેવામાં ન આવે તો તે આંખ અને મગજ સુધી પહોંચી જતાં દર્દીનું મોત પણ થઈ શકે છે.
જાહેરજને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે જો નાક, આંખ કે ગાલના ભાગે દુઃખાવો, સોજો, કાળાશ કે પીડા જેવી તકલીફ થાય તો તરત ડૉક્ટર પાસે જઈ તપાસ કરાવવી જોઈએ.