ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારત વિકાસ પરિષદ, ગાંધીધામ શાખાની મહિલા વિંગ દ્વારા જૂની સુંદરપુરી પ્રાથમિક શાળામાં ૩ દિવસીય બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બાળકોને નૈતિક મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને શિસ્તના સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું.

શિબિર દરમિયાન બાળકોને આત્મરક્ષા અને યોગની વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જેનું માર્ગદર્શન રમા ઠક્કર અને હ્રદયા ઠક્કરે પૂરું પાડ્યું હતું. બાળકો માટે પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરના જીવન પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વેદાંશ ચૌહાણે માર્ગદર્શન આપ્યું હતું. કથાકાર હિરેનભાઈ પંચાલે અહિલ્યાબાઈના જીવન, કાર્ય અને ન્યાયપ્રિયતા પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. બાળકો દ્વારા સાહિત્યિક સંગીત કાર્યક્રમ (તાલીમ: જાગૃતિ ખિલોશિયા) અને રાણી અહિલ્યાબાઈના નિર્ણય શક્તિ તથા ન્યાયપ્રણાલી પર આધારિત નાટક (તાલીમ: પિયાંશુ ઠક્કર અને દિયા મહેતા) રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શકો દ્વારા ખૂબ વખાણવામાં આવ્યા હતા.

શિબિરના અંતિમ દિવસે તમામ બાળકોને અહિલ્યાબાઈ હોળકરજીના જીવન પર આધારિત પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ શ્રી સુરેશજી ગુપ્તા, મહામંત્રી શ્રી હિતેશ રામદાસાણી, સહ-મંત્રી શ્રી વિકાસ ચૌહાણ, શ્રીમતી જાગૃતિ ઠક્કર, શ્રીમતી ભક્તિ ઠક્કર, ડૉ. નીતિન ઠક્કર, ડૉ. જાગૃતિ ઠક્કર, તેજસ પુજારા, જેમશ ઠક્કર, રાજેશ લાલવાણી અને મહિલા સભ્યો રૂપલ અમન, શિલ્પા કતીરા, સરિકા કતીરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરિશ્મા રૂપારેલિયાએ કર્યું હતું.