ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં કેટલાક મુખ્ય ઉત્પાદનો — જેમ કે તૈયાર કપડાં, ફળફળાટ, ફળોની સુગંધવાળાં સોફ્ટ ડ્રિંક્સ અને કાર્બોનેટેડ પેયપદાર્થીઓ —ની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે બંને રીતે લાગુ પડશે. પરિણામે હવે બાંગ્લાદેશથી આવતો આ માલ ભારતમાં ઉપલબ્ધ નહિ રહી શકે.
આ પગલાનું સૌથી મોટું પરિણામ એ છે કે બાંગ્લાદેશના વ્યાપાર પર ખૂબ જ ગંભીર અસર પડી છે. બાંગ્લાદેશની કુલ નિકાસમાંથી 70 ટકાથી વધુ નિકાસ ભારતમાં થાય છે, જ્યારે તેનું 42 ટકા આયાત પણ ભારત પરથી જ થાય છે. આ પ્રતિબંધના કારણે બાંગ્લાદેશને લગભગ 770 મિલિયન ડોલરનો વેપારી ફટકો ખાવાનો અંદાજ છે.
બાંગ્લાદેશના અખૂરા અને ડાવકી પોર્ટસ પરથી માલ સામાન્ય રીતે ભારત તરફ આવતો હતો, જે હવે રોકાઈ ગયો છે. બીજી તરફ, બાંગ્લાદેશે અગાઉ ભારતમાંથી આવતું યાર્ન (યાંહ) પણ બંધ કરાવ્યું હતું. જવાબરૂપે ભારતે બાંગ્લાદેશ માટે આપવામાં આવતી ટ્રાન્સશિપમેન્ટ ફેસિલીટી પણ બંધ કરી દીધી છે.
આર્થિક દબાણ વચ્ચે બાંગ્લાદેશ હવે મુશ્કેલીમાં છે. બાંગ્લાદેશના વેપાર અને ઉદ્યોગ મંત્રીના સલાહકાર શેખ બશરૂદ્દીને જણાવ્યું હતું કે, “આ સમસ્યા ઉકેલવા અમે પ્રયાસશીલ છીએ.”
આ તણાવની પૃષ્ઠભૂમિ જોઈએ તો, ગયા વર્ષની ઓગસ્ટમાં બાંગ્લાદેશનાં ભારતપ્રેમી વડાપ્રધાન શેખ હસીનાને પદચ્યુત કર્યા પછી દેશના રાજકીય મિજાજમાં બદલાવ આવ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. જોકે, બાંગ્લાદેશ માટે ભારત સાથે સંબંધ બગાડવો પણ સહેલુ નથી.