વારંવાર મુલતવી રહેતી બેઠકોથી વેપારી આલમમાં ચિંતાનો માહોલ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ-આદિપુરના ઔદ્યોગિક અને વેપારી ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી લીઝ સંબંધિત બેઠક વારંવાર મુલતવી રહેતા વેપારી આલમમાં ભારે ચિંતા અને અજંપો વ્યાપ્યો છે. અગાઉ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે મોકૂફ રખાયેલી આ બેઠક, હવે પ્રધાનમંત્રીના કચ્છ પ્રવાસને કારણે વધુ એક વાર ટળી છે, જેના પગલે વેપારીઓ ભવિષ્ય અંગે અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે.
મોકૂફીનું કાલચક્ર:
ગાંધીધામ ઔદ્યોગિક મહામંડળની એજીએમમાં બીજી લીઝના પ્રશ્ન પર સભ્યોની રજૂઆતને લઈને યોજાનારી આ બેઠક સતત કોઈને કોઈ કારણોસર મોકૂફ રહી છે. પહેલા રાષ્ટ્રીય સુરક્ષાને અગ્રતા આપીને ભારત-પાકિસ્તાન સરહદી તણાવને કારણે બેઠક મુલતવી રખાઈ હતી. ત્યારબાદ, ગતરોજ યોજાવાની નક્કી થયેલી આ બેઠક પણ પ્રધાનમંત્રી મોદીના કચ્છ પ્રવાસને કારણે છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી હતી. આ વારંવારની મોકૂફીથી વેપારીઓ અને વ્યવસાયી આલમમાં નિરાશા અને અનિશ્ચિતતાનો માહોલ છવાયો છે.
વેપારીઓમાં સ્મશાનવત્ શાંતિ:
સતત ઔદ્યોગિક અને વેપારી ગતિવિધિથી ધમધમતા ટાગોર રોડ અને રામબાગ રોડના વેપારોમાં હાલ ‘સ્મશાનવત્ શાંતિ’ છવાયેલી છે. ઘણા વેપારીઓએ તો વેપાર સંકેલીને દિવાલ ચણી નાખી છે, જ્યારે કેટલાક જમીન માલિકો સ્ટેની નોટિફિકેશનના આધારે ભવિષ્યના સંકેતોનું આકલન કરી રહ્યા છે.
લીઝ અને માલિકીનો ગૂંચવાડો:
ગાંધીધામ-આદિપુરની તમામ જમીન લીઝ પર છે, એટલે કે કોઈ જમીનનું માલિક નથી. ફ્રી હોલ્ડની પ્રક્રિયા માત્ર રહેણાંક હેતુના પ્લોટો માટે જ મંજૂર થયેલી છે, જ્યારે કોમર્શિયલ જમીન સંકુલમાં 4% પણ આ પ્રક્રિયાનો લાભ મળી શક્યો નથી. કચ્છના આર્થિક પાટનગર ગણાતા આ વિસ્તારમાં રહેણાંક હેતુના પ્લોટો પર પણ કોમર્શિયલ બાંધકામો ખડકાયા છે, જેના પરિણામ સ્વરૂપ એસઆરસી દ્વારા ગત મહિને 61 પ્રોપર્ટીઓને નોટિસ ફટકારીને તેમની લીઝ રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય 300 જેટલા પ્રોપર્ટી ધારકોને પણ 15 દિવસમાં કોમર્શિયલ પરવાનગી માટે કચેરીએ હાજર થવા જણાવાયું હતું.
ફ્રીઝ થયેલી પ્રોપર્ટી અને બેંક લોનનો પ્રશ્ન:
એસઆરસી દ્વારા 61 પ્રોપર્ટીની લીઝ રદ કરવામાં આવી છે, તે ‘ફ્રીઝ’ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આનો અર્થ એ કે આ પ્રોપર્ટીને મોર્ગેજમાં રાખીને કે તેના પર કોઈ લોન લઈ શકાતી નથી. અગાઉ જેમણે લોન લીધેલી છે, તેમનું માંગણું બેંકોએ શરૂ કરી દીધું છે, જે વેપારીઓ માટે નવી મુશ્કેલી ઊભી કરી રહ્યું છે.
અનિશ્ચિતતાનો વરતાતો વ્યાપ:
સ્વાભાવિક રીતે, કોઈ પણ જમીન માલિક પોતાનો પ્લોટ ગુમાવવા માંગતો નથી. જેમને 15 દિવસની કારણદર્શક નોટિસ મળી છે, તેઓ ડીપીએ દ્વારા સ્ટેકહોલ્ડર સાથે બેઠક ન થાય ત્યાં સુધી આપેલા ‘રૂકજાવો’ના આદેશને વળગીને ધંધો ચાલુ રાખ્યો છે. પરંતુ, સતત ઠેલાતી જતી આ સંયુક્ત બેઠકથી વેપારી આલમમાં વિવિધ તર્ક-વિતર્ક અને શંકા-કુશંકાઓ જન્મી રહી છે. જેમ જેમ દિવસો વીતતા જાય છે, તેમ તેમ પ્લોટ ધારકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ટાગોર રોડ અને રામબાગ રોડ પર આવેલા મોટા વેપારોમાં હાલ ‘શાંતિ’ છવાયેલી છે, જે ખરેખર ચિંતાનો વિષય છે.