ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ એકજૂઠ થઈને દીનદયાલ પોર્ટ (કંડલા) અને અદાણી પોર્ટ (તુણા) ખાતે 1 જૂન, 2025થી તમામ પ્રકારની લોડિંગ કામગીરી અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી છે. ટ્રાન્સપોર્ટરોના આ આંદોલન પાછળનું મુખ્ય કારણ કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ (CHA) દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર રોકડ ઉઘરાણી હોવાનું જણાવાયું છે.
આ હડતાળના પગલે લગભગ 2,500 જેટલા ટ્રક, ટ્રેઈલર અને ડમ્પરના પૈડા થંભી ગયા છે, જેના કારણે પોર્ટની લોડિંગ અને અનલોડિંગ પ્રક્રિયામાં મોટો ખલેલ ઉભો થયો છે.

કચ્છ ડિસ્ટ્રિક્ટ ડમ્પર ઓનર્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ શીવજીભાઈ આહીરે જણાવ્યું કે, CHA દ્વારા ટ્રાન્સપોર્ટરો પાસેથી લેદ-સવાદ વગર અને રસીદ વિના રોકડમાં ઉઘરાણી કરવામાં આવે છે, જેને લઇ આ હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એજન્સીઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે કંડલા પોર્ટ પર વાહનો પાસેથી પ્રતિ ટન રૂ. 15 તથા તુણા પોર્ટ પર પ્રતિ ટ્રક રૂ. 550 સુધી વસૂલવામાં આવે છે. આ રકમ સ્ટીવેડોર કંપનીઓ દ્વારા CHAને આપવામાં આવે છે અને તેના વિરૂદ્ધમાં પોર્ટ સંબંધિત અનેક એસોસિએશનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, આ રકમ રોકડમાં જ લેવામાં આવે છે અને જો ન આપવામાં આવે તો વાહનને બ્લેકલિસ્ટ કરી દેવાય છે.
આંદોલનકારીઓને સમર્થન આપનારી એસોસિએશનોમાં ન્યૂ જીજીટીએ, જીજીટીએ, રતનાલ એસોસિએશન, લોકલ બોડી એસોસિએશન સહિત અનેક અન્ય સંગઠનો પણ સામેલ છે.
ત્રણ સપ્તાહ પહેલા, 15 મેએ, તમામ એજન્સીઓને આગાહી આપી દેવાઈ હતી કે જો રોકડ ઉઘરાણી બંધ નહીં થાય તો 1 જૂનથી લોડિંગ કામગીરી બંધ કરવામાં આવશે. છતાં કોઇ પગલાં ન લેવાતા, ટ્રાન્સપોર્ટરોને આ સ્વૈચ્છિક હડતાળનો માર્ગ અપનાવવો પડ્યો છે.