ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ-આદિપુર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આજે મોટા પાયે અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉથી આપવામાં આવેલી નોટિસને પગલે કેટલાક વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા હતા.


મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજય રામાનુજના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સૌ પ્રથમ આદિપુર ઘોડા ચોકીથી ઓમ મંદિર સુધીના વિસ્તારમાં બુલડોઝર ફેરવી અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા.

તંત્રએ માર્કિંગ કરેલા કાચા અને પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ જ્યાં દબાણો યથાવત છે, ત્યાં પણ આગામી સમયમાં અતિક્રમણ વિરોધી કાર્યવાહી ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.