ગાંધીધામ પોલીસે “એકના ડબલ” છેતરપિંડી કેસમાં વધુ એક આરોપીને ઝડપ્યો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : “એકના ડબલ” કરી આપવાના નામે છેતરપિંડી આચરતી ગેંગ વિરુદ્ધ ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ગુનાહિત કાવતરા અને સંગઠિત અપરાધની કલમો ઉમેરીને વધુ એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ખોટી નોટોના બંડલ બનાવવા માટે વપરાતા સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ સકંજો કસાયો:

સરહદી રેન્જ, ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પૂર્વ-કચ્છ, ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા જિલ્લામાં શરીર સંબંધિત, મિલકત સંબંધિત અને છેતરપિંડીના ગુનાઓ આચરતા તત્વો પર ચાંપતી નજર રાખવા અને તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ આદેશના પગલે, અંજાર વિભાગ અંજારના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ, ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરીએ સંગઠિત અપરાધ કરતી ગુનાહિત ટોળકીઓ વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ જારી કરી હતી.

ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી ઝડપાયો:

ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૬૨૫૦૭૫૯/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા એકટ-૨૦૨૩ની કલમ-૩૧૬(૨), ૩૧૮(૪) મુજબના ગુનાની તપાસ દરમિયાન, આરોપીઓના ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરતા જણાયું કે તેમની વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે. આ હકીકત સૂચવે છે કે આરોપીઓ સંગઠિત અપરાધને પ્રોત્સાહન આપનાર અને ગુનાહિત કાવતરાની ટેવવાળા છે.

આ કેસમાં, અંજારના શેખ ટીંબો, બાનાની ફળિયુંના રહેવાસી મામદશા સ/ઓ જુસબશા શેખ (ઉંમર ૪૩)ની ધરપકડ કરવામાં આવી છે.

રિમાન્ડ મેળવી, મુદ્દામાલ જપ્ત:

આરોપી મામદશા શેખ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૧૧૧, ૬૧(૧) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને ગાંધીધામ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

પોલીસ તપાસ દરમિયાન, ફરિયાદીનો ગુમ થયેલ તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આરોપી પાસેથી ખોટી નોટોના બંડલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કોરા કાગળો અને કાગળો કટીંગ કરવા માટેનું કટર મશીન પણ કબ્જે કરવામાં આવ્યું છે.

જપ્ત કરાયેલો મુદ્દામાલ:

  • લોખંડનું પેપર કાપવા માટેનું કટર મશીન: કિંમત રૂ. ૫૦૦/-
  • સફેદ કલરના કોરા પાનાની નોટોના ૨૪ બંડલો
  • નોટો ઉપર કલર કરવા માટેની ૧૩ પીંછીઓ
  • નોટો ઉપર કલર કરવા માટેના ૨ કલરના ડબા: કિંમત રૂ. ૨૦૦/-
  • વિવો કંપનીનો મોબાઈલ ફોન: કિંમત રૂ. ૫૦૦૦/-
  • રોકડા રૂ. ૭૬૦/-
  • લાઇટબિલ તથા આધારકાર્ડ
  • કુલ કિંમત: રૂ. ૬,૪૬૦/-


જનતાને અપીલ:

ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઉપરોક્ત આરોપીઓ દ્વારા “રૂપિયા ડબલ કરી આપવાની લાલચ” આપીને છેતરપિંડીનો ભોગ બન્યો હોય, જેમાં રૂપિયાના બંડલમાં ઉપર અને નીચે અસલ ચલણી નોટો રાખીને વચ્ચેના ભાગે કોરા કાગળો મૂકી છેતરપિંડી કરવામાં આવી હોય, તો તાત્કાલિક ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.

આ સફળ કામગીરી ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ચૌધરી, પો.સબ ઇન્સ. જે.ડી. પરમાર અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *