ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારત વિકાસ પરિષદ (BVP) ગાંધીધામની તાજેતરમાં યોજાયેલી કાર્યકારી સમિતિની બેઠકમાં અમદાવાદમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ વિમાન અકસ્માતમાં દિવંગત થયેલા માનવજીવોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. BVP સભ્યોએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
આ બેઠક દરમિયાન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત વાર્ષિક કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. આ વર્ષે, ભારત વિકાસ પરિષદ, કંડલા મુન્દ્રા કન્ટેનર વેલ્ફેર એસોસિએશન અને અન્ય સંસ્થાઓના સહયોગથી, “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શુક્રવારે, ૨૧ જૂન, ૨૦૨૫ ના રોજ સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી અંબાજી મંદિર હોલ, ઓસ્લો, ગાંધીધામ ખાતે યોજાશે.
આ ઉપરાંત, આ વર્ષે ભારત વિકાસ પરિષદ અને SYS POWER YOGA દ્વારા સ્વસ્થ શરીર, મન અને નિરોગી કાયા માટે ‘યોગ સંગમ’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શનિવારે, ૨૧ જૂન, ૨૦૨૫ ના રોજ સવારે ૬ થી ૭:૩૦ વાગ્યા સુધી કિરણ પાર્ટી પ્લોટ નં ૯૮, સેક્ટર નં ૧, બાલવાટિકા સર્કલ પાસે, ઓસ્લો, ગાંધીધામ મધ્યે યોજાશે.
મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને યોગ સંગમ માટેના એડવાન્સ રજીસ્ટ્રેશન ફોર્મ BVP સભ્યો દ્વારા વ્હોટસએપ મારફતે ગાંધીધામ, આદિપુર શહેર અને સંલગ્ન ગામ પંચાયતોની જનતા સુધી પહોંચાડવામાં આવશે. ખાસ નોંધનીય છે કે બ્લડ ડોનેશન કેમ્પના સહયોગી આયોજકો દ્વારા દરેક રક્તદાતાને સ્થળ પર ખાસ ભેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં BVP ગાંધીધામના ટ્રસ્ટીઓ, પ્રમુખ, મંત્રી સહિત સમિતિના સર્વ સભ્યો હાજર રહ્યા હતા.