ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કંડલા પોર્ટ ખાતે રોજિંદા માલ આવક-જાવક કરતી કંપનીના ટ્રકોને બહાર કાઢવા માટે લાંચ લેવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી છે. આ અંગે ગાંધીધામ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને કંડલા કસ્ટમ વિભાગના હેડ હવલદાર જિગ્નેશ કેશવજી બળીયા લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.
એસીબીના જણાવ્યા અનુસાર, ફરિયાદી એક ખાનગી કંપનીમાં ઓપરેશન ઇંચાર્જ તરીકે કામ કરે છે અને તેમના માલસામાનની પોર્ટમાંથી અંદર બહાર થતી ટ્રિપ્સ માટે કસ્ટમ ક્લિયરન્સ કરાવવી પડે છે. પોર્ટના ગેટ ઉપર ફરજ બજાવતા કસ્ટમ કર્મચારી જિગ્નેશ બળીયાએ દરેક ટ્રક દીઠ ₹50 તરીકે લાંચની માગણી કરી હતી. કુલ 197 ટ્રિપ માટે તેમને ₹9,850ની લાંચ માંગવામાં આવી હતી.
ફરિયાદી તરફથી મળેલી માહિતીને આધારે 19 જૂન, 2025ના રોજ કંડલા પોર્ટ વિસ્તારમાં એસીબીએ લાંચના છટકા માટે આયોજન કર્યું હતું. પોર્ટ નજીક સાગર સેના હનુમાન મંદિર સામે રોચડ સ્થાન પર હેડ હવલદાર જિગ્નેશે ફરિયાદી પાસેથી રૂપિયા 9,850 લીધી હતી. આ ટ્રાન્ઝેક્શન એસીબીના પંચ સાક્ષીઓની હાજરીમાં થતું જત્વાઈ ગયું હતું અને સ્થળ પર જ હેડ હવલદારને પકડી લેવાયો હતો.
આ કામગીરી એસીબી પૂર્વ કચ્છના પીઆઈ એલ.એસ. ચૌધરી, સુપરવિઝન અધિકારી એમ.જે. ચૌધરી અને મદદનીશ નિયામકની દેખરેખ હેઠળ કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કંડલા કસ્ટમ વિભાગમાં ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદો સતત સામે આવતી રહી છે અને આ ઘટમાળે ફરી એકવાર આવા કિસ્સાઓમાં સંડોવાયેલા કર્મચારીઓ સામે કાયદેસર કાર્યવાહી જરૂરી હોવાનું પુરવાર કર્યું છે.