- ગાંધીધામ, ગાંધીનગર અને અમદાવાદથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આંતરરાજ્ય બાઈક ચોરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા પાંચ શખ્સોને ચોરી કરેલા પાંચ વાહન સાથે ઝડપી પાડ્યા છે. આ ધરપકડથી ગાંધીનગર, ગાંધીધામ અને અમદાવાદ જેવા શહેરોમાં થયેલી દ્વિચક્રી વાહન ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ખોડિયાર નગર, ગાંધીધામ ખાતેથી પ્રમોદ ઉર્ફે ભુડિયો પ્રેમકુમાર ચૌહાણ (ઉ.વ. 20), સચિન રમેશભાઈ રાઠોડ (ઉ.વ. 21), નિલેશ રમેશભાઈ રાઠોડ (ઉ.વ. 19), રોહિત જગદીશભાઈ પાતરિયા (ઉ.વ. 23) અને કરણ રમેશભાઈ મહેશ્વરી (ઉ.વ. 21) ને ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓ અગાઉ પણ બાઈક ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા છે.
પોલીસની આગવી ઢબે પૂછપરછ દરમિયાન આરોપીઓએ મેઘપર બોરીચી કેનાલ, આદિપુર, ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ આર્કેડના પાર્કિંગમાંથી ચોરી કરેલા કુલ 2.10 લાખ રૂપિયાના પાંચ વાહનોનો ખુલાસો કર્યો હતો, જે પોલીસે જપ્ત કર્યા છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે: પ્રમોદ ચૌહાણ અને સચિન રાઠોડ વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝનમાં અગાઉ બે-બે ગુના દાખલ છે, જ્યારે રોહિત પાતરિયા અને કરણ મહેશ્વરી વિરુદ્ધ એક-એક ગુનો દાખલ છે.
ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ આ સફળ કામગીરી પાર પાડીને રાજ્યમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓ પર લગામ કસવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.