જીઆઈડીસી પ્લોટમાંથી 7.50 લાખની ખાંડ ચોરીના પ્રયાસનો પર્દાફાશ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  ઉદ્યોગ વિસ્તાર ગોધામો અને વાહનોમાંથી ચોરીની ઘટનાઓ વચ્ચે, ગાંધીધામ જીઆઈડીસી સેક્ટર-10 માં આવેલા એક પ્લોટમાંથી રૂ. 7.50 લાખની કિંમતની ખાંડની બોરીઓ સગેવગે કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, ત્યારે એલસીબીના પીઆઈ એન.એન. ચુડાસમાની આગેવાની હેઠળની ટીમે સંચાલિત દરોડામાં સમયસૂચક કાર્યવાહી કરતાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ ટ્રક, મોબાઇલ અને ખાંડ સહિત કુલ રૂ. 17.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એલસીબી દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે, મુક્તાનંદ સોસાયટી ખાતે રહેતા રાજેશ ઉર્ફે રાજુ મોહનભાઈ ભદ્રા (ભાનુશાલી)એ પોતાના પ્લોટમાં 500 બોરી ખાંડનો જથ્થો છુપાવી રાખ્યો હોવાનો સંકેત મળ્યો હતો. દરોડા દરમિયાન તેની પાસે કોઈ આધારભૂત બિલ કે દસ્તાવેજ ન મળતાં ખાંડનો જથ્થો ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

આ મામલે રાજેશ ભદ્રા ઉપરાંત ખાંડ ખરીદવા આવેલા રાધનપુરના વિષ્ણુ રાવળ અને ગોધામ મેનેજર દિનેશસિંહ લોદીની અટક કરવામાં આવી છે. માલ મોકલનાર કિડાણા રહેવાસી કાસમ કકલ અને માલ લઇ આવનાર મનજી આહીર હજુ ફરાર છે.

આ ઘટનામાં એલસીબીએ 500 બોરી ખાંડ (50 કિલોગ્રામ પ્રતિ બોરી), એક ટ્રક અને ત્રણ મોબાઇલ ફોન સહિત રૂ. 17.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ માટે બી-ડિવિઝન પોલીસને સોંપી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ–કંડલા માર્ગ પરથી પસાર થતી વાહનો અને ગોધામોમાંથી માલ ચોરીની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધતી રહી છે. વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ સંચાલકો પોલીસ તંત્ર પાસે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ લાંબા સમયથી કરતાં રહ્યા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *