ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કોઈ અજાણ્યા વ્યક્તિને તમારું બેંક ખાતું, OTP કે વ્યક્તિગત માહિતી ન આપો” – એવી ચેતવણી આપતો 40 સેકન્ડનો અમિતાભ બચ્ચનનો વોઇસ મેસેજ હવે બંધ કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2024થી શરૂ થયેલ આ મેસેજનું મુખ્ય ઉદ્દેશ સાયબર ફ્રોડ સામે જાગૃતિ ફેલાવવાનો હતો, પણ હવે લોકોને હેરાન કરતા મેસેજને સરકારે આખરે દૂર કરવાનો નિર્ણય લીધો છે.
આ વોઇસ મેસેજ ઇમરજન્સી કોલિંગમાં વિલંબ સર્જતો હોવાના કારણે નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ જાહેર રીતે કહ્યું હતું કે તેઓ પોતે પણ આ ટ્યુનથી હેરાન હતા.
શરુઆત સારી, પણ હવે માથાનો દુખાવો
આ ટ્યુન પહેલાં દિવસે 8-10 વખત વાગતી હતી, જેને બાદમાં માત્ર 2 વખત સુધી સીમિત કરી દેવાઈ. પરંતુ સોશિયલ મીડિયા પર લોકો સતત નારાજગી વ્યક્ત કરતા હતા, અને RTI પણ દાખલ કરવામાં આવી હતી.
અમિતાભ બચ્ચન પર પણ ટ્રોલિંગ
23 જૂને અમિતાભ બચ્ચનના સોશિયલ મીડિયા પોસ્ટ પર યુઝર્સે તેમને ટ્રોલ કર્યા હતા. એક યુઝરે મજાકમાં લખ્યું, “તો કોલ પર વાત કરવાનું બંધ કરો ભાઈ,” જેના જવાબમાં બિગ બીએ લખ્યું, “સરકારને કહો ભાઈ, તેમણે અમને જે કરવાનું કહ્યું તે કર્યું.”

અગાઉ પણ વિવાદમાં આવી હતી ટ્યુન
કોવિડના સમયમાં પણ આમિતાભ બચ્ચનના અવાજમાં જાગૃતિ સંદેશ પ્રસારિત થતાં વિવાદ થયો હતો, ખાસ કરીને જ્યારે તેઓ અને તેમનો પરિવાર કોરોના પોઝિટિવ થયા ત્યારે.
જયારે મેસેજ બંધ થયો, પણ સતર્ક રહેવાની જરૂર છે
ભલે કોલર ટ્યુન હવે બંધ થઈ ગઈ હોય, પરંતુ સાયબર ફ્રોડથી બચવા માટે લોકોની સતર્કતા જરૂરી છે. સરકારના જણાવ્યા મુજબ કોઈ પણ શંકાસ્પદ ફોન, લિંક કે OTP શેર ન કરવો જોઈએ. જો છેતરપિંડી થાય તો 1930 પર કોલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.