ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુરના વિવિધ વિસ્તારોમાં ગટરના ઉભરાતા પાણી, ખુલ્લી ગટરો અને રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાએ સ્થાનિકોનું જીવન દુષ્કર બનાવી દીધું છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જનતા કોલોનીની સોસાયટી અને ભારતનગર: ગટરના ઉભરાતા પાણીથી રોગચાળાનો ભય
This Article Includes

ગાંધીધામના ભારતનગરમાં આવેલી જનતા કોલોનીની આશાપુરા સોસાયટી (224-223) ના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરના ઉભરાતા પાણીથી પીડાઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ અંગે અનેકવાર રિપોર્ટ કરવા છતાં તંત્ર તરફથી કોઈ મદદ મળી નથી. ગટરનું પાણી ભરાઈ રહેવાથી રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. એક રહીશે જણાવ્યું, “અમે ગટરના નિકાલ માટે અનેકવાર અરજીઓ આપી છે, પણ કોઈ આવતું નથી. હવે તો બીમારી ફેલાવવાનો ડર લાગી રહ્યો છે.”

આ ઉપરાંત, ભારતનગર 9B, પ્લોટ નંબર 64 ખાતે પણ ખુલ્લી ગટરો અકસ્માતને નોતરી રહી છે. ગટરના ઢાંકણાં ન હોવાથી નાના બાળકો અને વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે.
આદિપુર: 22 વાળી પાછળના નાળામાં ગટરનું પાણી ભરાયું

આદિપુરના 22 વાળી વિસ્તારની પાછળ આવેલા નાળામાં પણ ગટરનું પાણી ભરાવાની સમસ્યા વિકટ બની છે. જર્જરિત નાળાને કારણે ગટરનું પાણી તેમાં ભરાઈ રહે છે, જેના લીધે દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. ચોમાસામાં સ્થિતિ વધુ વણસે તેવી દહેશત છે. સ્થાનિકોએ નાળાના સમારકામ અને ગટરના પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે.
અંતરજાળ: શાંતિ કુંજ શાળા પાસે રસ્તા પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન

ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામના શાંતિ નગર-૧ માં આવેલી શાંતિ કુંજ શાળાના મુખ્ય રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા વિદ્યાર્થીઓ અને રહીશો માટે માથાનો દુખાવો બની છે. રસ્તા પર કાયમ પાણી ભરાયેલું રહેતું હોવાથી વાહનચાલકો, રાહદારીઓ અને ખાસ કરીને શાળાના બાળકોને શાળાએ પહોંચવામાં અને ઘરે પાછા ફરવામાં પારાવાર મુશ્કેલી પડે છે. પાણી ભરાવાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને અકસ્માતનો ભય પણ રહે છે. સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી ધોરણે નિરાકરણ લાવવા ઉગ્ર માંગ કરી છે.