ગુજરાતમાં આવાસ ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% રાહત

ગુજરાતમાં આવાસ ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% રાહત ગુજરાતમાં આવાસ ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% રાહત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાના અને મધ્યમવર્ગીય પરિવારોને આવાસ તબદીલીઓ સંબંધિત બે મહત્વપૂર્ણ નિર્ણયોથી મોટી રાહત આપી છે. આ નિર્ણયો સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો અને હાઉસિંગ સોસાયટીઓની ટ્રાન્સફર ફીને નિયંત્રિત કરવા સંબંધિત છે, જે મિલકત ખરીદ-વેચાણ પ્રક્રિયાને વધુ સુગમ અને આર્થિક રીતે બોજારૂપ ન બને તે સુનિશ્ચિત કરશે.


આવાસ તબદીલીઓ પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% રાહત

મુખ્યમંત્રીના આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર, સોસાયટી, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી ટ્રાન્સફર માટે લાગતી કુલ સ્ટેમ્પ ડ્યુટીમાંથી 80% સુધીની રકમ માફ કરવામાં આવશે. એટલે કે, હવે લાભાર્થીઓએ માત્ર 20% જેટલી જ ડ્યુટી ભરવાની રહેશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9(ક) હેઠળ આ છૂટછાટ અપાશે.

મહેસૂલ વિભાગ દ્વારા કરાયેલી આ જોગવાઈઓથી મધ્યમ વર્ગ પરનો નાણાકીય બોજ ઘટશે. અગાઉ, આવી તબદિલીઓમાં નાગરિકો પર દંડનો વધારાનો બોજ પણ આવતો હતો, પરંતુ હવે મૂળ ડ્યુટીના 20% અને દંડની રકમ મળીને માત્ર લેવા પાત્ર ડ્યુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે. આ સુધારાથી નાગરિકો પર દંડનો કોઈ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં. જોકે, આ જોગવાઈઓ ફક્ત સોસાયટી, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદિલીઓ માટે જ લાગુ પડશે.


હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફી પર મહત્ત્વનો નિર્ણય

આશરે ચાર મહિના પહેલાં, રાજ્ય સરકારે હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફીને લઈને પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અંતર્ગત, હવે ઘરની ખરીદ-વેચાણ સમયે હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફી કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ જ લઈ શકાશે.

ગુજરાતમાં 30,000થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે, જ્યાં ઘરની ખરીદી વખતે સોસાયટીઓ દ્વારા મનમાની રીતે ટ્રાન્સફર ફી વસૂલવાની ફરિયાદો મળતી હતી. આ સમસ્યાને અટકાવવા માટે, રાજ્ય સરકારે વર્ષ 2024માં સહકારી કાયદામાં સુધારો કરીને નિયમો બનાવ્યા છે. આ નિયમો અનુસાર, સોસાયટીઓ કોઈપણ સંજોગોમાં નિર્ધારિત મર્યાદા (કુલ અવેજ રકમના 0.5% અથવા ₹1 લાખ) કરતાં વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહીં.

વધુમાં, જો કોઈ કાયદેસરના વારસદારને અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરવામાં આવેલ હશે, તો કોઈ ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં. તેમજ, કોઈપણ વ્યક્તિ પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ નામે ટ્રાન્સફર સમયે સોસાયટીઓ કોઈપણ રકમ વસૂલ કરી શકશે નહીં. આ નિર્ણયો રાજ્યના નાગરિકોને આવાસ સંબંધિત વ્યવહારોમાં પારદર્શિતા અને આર્થિક રાહત પૂરી પાડશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *