ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતના વર્તમાન રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. આ નિર્ણય સાથે તેઓ હવે 30 સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ડીજીપી પદે યથાવત રહેશે. આજે વયનિવૃત્ત થવાના હોવાથી પોલીસ ભવનમાં તેમની વિદાયની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ સરકારે અંતિમ કલાકોમાં આ મહત્વનો નિર્ણય લેતા, નવા ડીજીપી કોણ બનશે તે અંગેની ચર્ચાઓ પર હાલ પૂરતો વિરામ મુકાઈ ગયો છે.
પૂર્વ ડીજીપી શિવાનંદ ઝા અને આશિષ ભાટિયા બાદ વિકાસ સહાય ત્રીજા ડીજીપી બન્યા છે જેમને એક્સટેન્શન મળ્યું છે.
વિકાસ સહાયનો કાર્યકાળ અને અગાઉના અનુભવો ડીજીપી વિકાસ સહાયનો પ્રવાસ રસપ્રદ રહ્યો છે. એક જિલ્લામાં એસપી તરીકે કામ કર્યા બાદ તેઓ લાંબા સમય સુધી ‘સાઈડલાઈન’ ગણાતી પોસ્ટિંગ્સ પર રહ્યા હતા, જેમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી અને કરાઈ પોલીસ એકેડમીનો સમાવેશ થાય છે. અગાઉના ડીજીપી આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ તેમને સિનિયોરિટીના આધારે ડીજીપી પદ મળ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન એસએમસીની સીઆઈડી ક્રાઈમ તપાસ ચર્ચામાં રહી હતી, જોકે સ્થાનિક પોલીસ સામે કડકાઈ ન દાખવવા બદલ તેઓ ટીકાનો ભોગ પણ બન્યા હતા.
અગાઉ બે ડીજીપીને પણ મળ્યું હતું એક્સટેન્શન આ પહેલાં પણ રાજ્યના બે ડીજીપીને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. કોરોના સમયગાળા દરમિયાન શિવાનંદ ઝાને ડીજીપી તરીકે એક્સટેન્શન મળ્યું હતું. તેમની કડક કાર્યશૈલી અને પોલીસ પરનો તેમનો અંકુશ નોંધનીય હતો. તેમના કાર્યકાળમાં એસએમસીની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની બેદરકારી સામે પગલાં લેવાતા પોલીસમાં ભયનો માહોલ રહેતો હતો.
ત્યારબાદ આશિષ ભાટિયા ડીજીપી બન્યા, તેમને પણ બે વર્ષ કરતાં ઓછો કાર્યકાળ મળ્યો હોવાથી નવી ગાઈડલાઈન મુજબ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. આ કારણે પૂર્વ આઈપીએસ સંજય શ્રીવાસ્તવ છ મહિના કરતાં ઓછો સમય બાકી હોવાથી ડીજીપી બની શક્યા નહોતા. હવે વિકાસ સહાય એક્સટેન્શન મેળવનારા ત્રીજા ડીજીપી બન્યા છે, જે દર્શાવે છે કે સરકાર ઉચ્ચ પોલીસ પદો પર સાતત્ય જાળવવા માંગે છે.
ડીજીપીની પસંદગી: સુપરસીડથી લઈ સરકારની પસંદગી સામાન્ય રીતે ડીજીપીની પસંદગીમાં સરકારની ‘ગુડ બુક’માં રહેલા અધિકારીઓને પ્રાધાન્ય અપાય છે, કારણ કે તેમને બે વર્ષ સુધી બદલવા મુશ્કેલ હોય છે. જોકે, સરકાર પાસે અમુક અધિકારીઓને સુપરસીડ કરીને અન્ય અધિકારીને પોસ્ટિંગ આપવાની સત્તા પણ હોય છે. ખાસ કિસ્સાઓમાં, સરકાર ઈન્ચાર્જ ડીજીપી પણ નિયુક્ત કરી શકે છે, ભલે તે ગાઈડલાઈન્સમાં ન આવતું હોય. આ એક્સટેન્શન દ્વારા સરકારે હાલ પૂરતી આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.