બોમ્બની ધમકીથી કંડલા એરપોર્ટ પર દોડધામ, તપાસ બાદ રાહત

બોમ્બની ધમકીથી કંડલા એરપોર્ટ પર દોડધામ, તપાસ બાદ રાહત બોમ્બની ધમકીથી કંડલા એરપોર્ટ પર દોડધામ, તપાસ બાદ રાહત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાના વરસામેડી સ્થિત કંડલા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતા ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, સઘન તપાસ બાદ કંઈપણ શંકાસ્પદ ન મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

રવિવારે એરપોર્ટના ઈ-મેલ આઈડી પર આવેલા મેલમાં લખ્યું હતું કે, “નમસ્કાર, એરપોર્ટની આસપાસ મૂકવામાં આવેલ બેકપેકમાં શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણો છુપાયેલા છે. તમારે તાત્કાલિક ઇમારતો ખાલી કરવી પડશે. તમારે ઉતાવળ કરવી પડશે, નહીંતર અંદરના લોકો મરી જશે.”

આ ઈ-મેલ વાંચતા જ એરપોર્ટના ટર્મિનલ મેનેજર અંશુમન તિવારી તરત જ સતર્ક બન્યા હતા અને તેમણે તાત્કાલિક પોલીસ તથા અન્ય સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ તાબડતોબ કંડલા એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને એરપોર્ટના ખૂણેખૂણાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જોકે, લાંબી તપાસ બાદ પણ કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

આ બનાવ બાદ એરપોર્ટના ઇન્ચાર્જ ડાયરેક્ટર ભગવંતસિંહ હુકમસિંહ દ્વારા અજાણ્યા ઈ-મેલ કરનાર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, અગાઉ પણ કંડલા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો, જેમાં હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. આ ઘટના ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *