ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ તાલુકામાં વોંધથી સામખિયાળી જતા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો ભયાવહ પ્રયાસ થતા ભારે ચકચાર મચી ગઈ છે. અજાણ્યા ઇસમો દ્વારા રેલવે પટ્ટીના બોલ્ટ ખોલી અને બેલાસ્ટ (પથ્થરો) ટ્રેક પર મૂકીને મોટી દુર્ઘટના સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટના ગત 28 જૂનની સાંજે બની હતી. એ.જી.એફ.ટી. નામની માલગાડી વોંધથી સામખિયાળી તરફ જઈ રહી હતી ત્યારે કિ.મી. નંબર 752/49-752/45 વચ્ચે રેલવે પાટા પર કંઈક અજુગતું હોવાનું ટ્રેનના લોકો પાયલોટ અને ગાર્ડને જણાયું હતું. તેમણે તાત્કાલિક વોંધના સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી, જેમણે આગળ રેલવે પોલીસને જાણ કરી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી ટીમને રેલવે પાટા પર ડી.એચ.ઈ. – અર્થિન્સ લોમ્ડ પટ્ટી અને બેલાસ્ટ (સ્ટોન) મૂકેલા જોવા મળ્યા હતા. સદનસીબે, સમયસર આ બાબતની જાણ થતા એક મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં જાનહાનિ થવાની શક્યતા હતી.
આ કારસા અંગે ભચાઉ પોલીસમાં જાણ કરવામાં આવી છે. બનાવની તપાસ કરી રહેલા પી.એસ.આઈ. જે.જે. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને આવું કશું દેખાયું નહોતું, પરંતુ કોઈએ પટ્ટીના બોલ્ટ ખોલી નાખ્યા હોવાનું જણાય છે. આરોપીઓને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આદિપુરથી અંજાર જતા ટ્રેક પર શનિદેવ મંદિર સામેના ભાગમાં આવા બનાવોને અંજામ અપાયા છે, તેમજ અંજારમાં પણ રેલવે ટ્રેક પર પથ્થર મૂકવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા. આવા તત્વોને તાત્કાલિક પકડી પાડીને કડક કાર્યવાહી કરવાની પ્રબળ માંગ લોકોમાં ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવા ગંભીર ગુનાઓ અટકાવી શકાય.