ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 12.51 કરોડની વેરા વસૂલાત

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 12.51 કરોડની વેરા વસૂલાત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 12.51 કરોડની વેરા વસૂલાત
  • વર્ષ 2025 માટે ત્રણ માસમાં વિક્રમજનક વસૂલાત: એક જ દિવસે 1.03 કરોડની આવક નોંધાઈ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 1 એપ્રિલથી 30 જૂન 2025 સુધીના ગાળામાં કુલ ₹12.51 કરોડની વેરા વસૂલાત કરવામાં આવી છે. ગાંધીધામ-આદિપુર જોડિયાં શહેરોમાં કુલ 60,400 કરદાતાઓમાંથી 28,748 કરદાતાઓએ પોતાના ટેક્સ ભર્યા હતા.

વર્ષ 2024ની સરખામણીએ આ વખતની વસૂલાતમાં ₹1.11 કરોડની વધારો નોંધાયો છે. વેરા ભરનારા માટે આપવામાં આવેલી 10 ટકા રિબેટ યોજનાના ભાગરૂપે ₹90.02 લાખની રાહત આપવામાં આવી હતી, જ્યારે વ્યાજ પેટે ₹1.25 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. ખાસ કરીને વર્ષોથી ટેક્સ ન ભરનાર બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા નોટિસો અપાઈ હતી, અને કેટલીક મિલકતો માટે જપ્તી વોરંટ પણ જારી કરાયા હતા. કેટલાક બાકીદારોએ જપ્તીથી બચવા માટે પાલિકામાં રકમ ભરપાઈ કરી દીધી હતી.

નવી રિબેટ યોજના પણ અમલમાં

મહાનગરપાલિકા દ્વારા 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી વેરા ભરનારા માટે 5 ટકા રિબેટ યોજના પણ અમલમાં મુકાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ₹50,000થી વધુના બાકીદારો સામે કડક વસૂલાત શરૂ કરવામાં આવશે.

એક જ દિવસે 1.03 કરોડની વસૂલાત

30 જૂનના રોજ મહાનગરપાલિકામાં એક જ દિવસે ₹1.03 કરોડની વસૂલાત થઈ હતી, જે નોટબંધી પછીની સૌથી મોટી વસૂલાત છે. અગાઉ એક દિવસમાં મહત્તમ ₹65 લાખની વસૂલાત થઈ હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *