ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ચેક બાઉન્સના ગંભીર કેસમાં નામદાર ગાંધીધામ અધિક ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી પી.કે. વ્યાસ સાહેબે આરોપી મનોજ કિશનભાઈ કન્નડને ૧ વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને રૂપિયા ૬૦,૦૦,૦૦૦/- દંડ વળતર ચૂકવવાનો હુકમ આપ્યો છે. જો આ રકમ ચુકવવામાં નિષ્ફળ રહે તો વધુ એક મહિનાની કેદ ભોગવવી પડશે.
આ કેસમાં ફરિયાદી “શીપીંગ સર્વિસિસ”ના સહભાગી સુશીલ રામકુમાર સંજોટ દ્વારા આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી સમર શીપીંગના માલિક હોવાના નાતે કન્ટેનર કાર્ગોના ટ્રાન્સપોર્ટેશનના કામની ચુકવણી માટે પોતાની કંપનીના ખાતાનો ચેક ફરીયાદીને આપ્યો હતો. જોકે, ચેક બેંકમાં રજુ કરતા “અપુરતા ભંડોળ”ના કારણસર અણચલિત રહ્યો.
નોટીસ આપવા છતાં ચુકવણી ન કરાતા ફરિયાદીએ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. કોર્ટમાં ફરીયાદી પક્ષના વકીલશ્રીઓ દિનેશ જોબનપુત્રા, સતીષ ચૌધરી અને કલ્પેશ પુજારાએ ચુસ્ત દલીલો સાથે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
કોર્ટએ સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના પૂર્વ ચુકાદાઓને આધારે આરોપીને દોષિત ઠેરવી કાયદાકીય પગલાંનું પાલન કરાવ્યું.
આ ચુકાદો ચેક બાઉન્સ જેવી ઘટનાઓ માટે કાયદાની ગંભીરતાનું દ્રષ્ટાંતરૂપ છે અને ભવિષ્યમાં આવા ગુનાઓ સામે કડક સંદેશ આપે છે.