ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અણઘડ રીતે અપાતા કોન્ટ્રાક્ટને કારણે ૧૩૫ સફાઈ કામદારોની રોજી છીનવાઈ ગઈ છે. આ મામલે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘે આક્રોશ સાથે મહાનગરપાલિકા કમિશનર સમક્ષ રૂબરૂ જઈને આ કામદારોને તાત્કાલિક ધોરણે પુનઃ કામ પર લેવાની અને તેમને વેતન ચૂકવવાની માંગ કરી છે.
અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ, કચ્છ જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ એલ. વાઘેલાની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળે કમિશનરને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીધામ નગરપાલિકા હતી ત્યારથી લઈને હાલ મહાનગરપાલિકા બન્યા ત્યાં સુધી આ ૧૩૫ સફાઈ કર્મચારીઓ ફરજ બજાવે છે. અગાઉ દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ ચલાવાતો હતો, પરંતુ તેમણે કોઈ નોટિસ કે જાણ કર્યા વિના અચાનક કામ છોડી દીધું. ત્યાર પછી શિવજી કે. વાઘેલાએ કોન્ટ્રાક્ટ લીધો, પરંતુ તેમણે પણ પાંચથી છ મહિનામાં કોઈ જ નોટિસ કે જાણ કર્યા વગર કામ છોડી દીધું. આના પરિણામે આ ૧૩૫ સફાઈ કામદારો રઝળી પડ્યા છે.
સંઘે આક્ષેપ કર્યો છે કે, જ્યારે આ મુદ્દે મદદનીશ કમિશનર અને મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવે છે, ત્યારે તેઓ જવાબદારીમાંથી છટકવા માટે “આ કોન્ટ્રાક્ટનો પ્રશ્ન છે, અમે કંઈ ન જાણીએ” અથવા “આ કર્મચારીઓ અમારા નથી” તેવા જવાબો આપે છે. સંઘે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈ પણ શહેર કે તાલુકાની નગરપાલિકા કે મહાનગરપાલિકાની મુખ્ય ઓળખ સફાઈ કર્મચારીઓ છે અને તેમનું આ પ્રકારે શોષણ ચલાવી શકાય નહીં. સફાઈ કામદારોનો આધાર અને આજીવિકા મહાનગરપાલિકા છે.
મુખ્ય માંગણીઓ:
- ૧૩૫ સફાઈ કર્મચારીઓને મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે પુનઃ કામ પર લે.
- જ્યાં સુધી અન્ય કોઈ એજન્સીને કોન્ટ્રાક્ટ ન મળે ત્યાં સુધી આ સફાઈ કર્મચારીઓને ગાંધીધામ મહાનગરપાલિકા વેતન ચૂકવે.
- મહાનગરપાલિકા પોતાના ઉચ્ચ દરજ્જા પ્રમાણે વહીવટ કરે અને કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર આપતા પહેલાં યોગ્ય શરતો અને નિયમો લાગુ પાડે.
- આ બાબતે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય.
સંઘે ચેતવણી આપી છે કે, જો આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે.