ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુરના જોડિયા શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં લાંબા સમયથી સફાઈ, ગટર અને વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓથી લોકો પરેશાન છે. મહાનગરપાલિકા બન્યા બાદ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ ધાર્યું પરિણામ મળ્યું નથી. હવે આ સમસ્યાના નિરાકરણ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આગામી એક વર્ષમાં સફાઈ પાછળ ₹17 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ માટે મહેસાણાની એ.બી. એન્ટરપ્રાઇઝને સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
સફાઈ પાછળના કરોડોનો ખર્ચ: કયા વિસ્તારોને મળશે લાભ?
આ કોન્ટ્રાક્ટ અંતર્ગત એ.બી. એન્ટરપ્રાઇઝ ગાંધીધામ, ગળપાદર, કિડાણા (પૂર્વ ઝોન) અને આદિપુર, શિણાય, અંતરજાળ, મેઘપર કુંભારડી, મેઘપર બોરીચી (પશ્ચિમ ઝોન) જેવા વિસ્તારોમાં સફાઈ કામગીરી કરશે. આંતરિક તેમજ મુખ્ય વિસ્તારોમાં સફાઈ કરીને કચરાના ઢગલાને ડીસી-પાંચની પાછળ આવેલા એમ.આર.એફ. પ્લાન્ટમાં નિકાલ કરવાનો રહેશે. હાલમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને એજન્સીને વર્કઓર્ડર આપવા સહિતની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં લગભગ 10 દિવસનો સમય લાગી શકે છે.
શું બદલાશે પરિણામ? લોકોની આશા અને અપેક્ષાઓ
અગાઉ પણ નગરપાલિકાના સમયથી દર મહિને સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હતો, છતાં ગંદકીની સમસ્યા યથાવત રહેતી હતી. જે હેતુ માટે રૂપિયા ખર્ચવામાં આવતા હતા તે સાર્થક થયો નહોતો. હવે કરોડો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે સ્થાનિક લોકોમાં આશા જાગી છે કે આંતરિક વિસ્તારો સહિત સમગ્ર વિસ્તાર સ્વચ્છ અને સુઘડ બનશે.
કોન્ટ્રાક્ટ શરૂ ન થાય ત્યાં સુધી મહાનગરપાલિકાનું સંભાળશે મોરચો
સફાઈનો કોન્ટ્રાક્ટ મળેલ એજન્સીને વર્કઓર્ડર આપવાની પ્રક્રિયામાં 10 દિવસ લાગી શકે છે. આ દરમિયાન, અગાઉ જેને કામ સોંપાયું હતું તે બંધ કરાયું હોવાથી, કોન્ટ્રાક્ટર કામગીરી શરૂ ન કરે ત્યાં સુધી મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર જાતે જ સફાઈની કામગીરી સંભાળશે. હાલના સમયે વિભાગ દ્વારા ફરિયાદોના નિકાલ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.