ગાંધીધામ ટુડે, ન્યૂઝ : હાલ મા ભારત સરકારે ખાસ કિસ્સામાં અમુક વાહનોને અને ખાસ લોકોને ટોલ ટેક્સ માંથી મુક્તિ આપી છે જે ખૂબ જ આનંદની વાત છે , આવકાર્ય છે અને અભિનંદનને પાત્ર છે પણ સાથે સાથે પત્રકારોને પણ ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ આદિપુર દ્વારા કરવામાં આવી છે.
માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાસ કિસ્સા અને ખાસ લોકો ને ટોલ ટેક્સ માંથી મુક્તિ આપી છે. કેન્દ્રના અને રાજ્યના મંત્રીઓને, સેના ને , વાયુસેનાને, નૌ સેના ના અધિકારીઓને , વીરતા પુરસ્કાર જેવા કે મહાવીર ચક્ર , અશોક ચક્ર પ્રાપ્ત કરનાર વીરલાઓને , સાંસદોને , આપત કાલીન સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ સેવા, પોલીસ ખાતા , તેમજ ફાયર બ્રિગેડ ને ટોલ પ્લાઝા પર રોકવામાં નહી આવે અને તેમને ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવી છે તેવી જાણકારી આપી છે ત્યારે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના તંત્રીશ્રીઓ અને પત્રકારો પણ દેશ સેવા , સમાજસેવા અને લોકોને નિયમિત સાચા સમાચારોની માહિતી મળતી રહે તે માટે સતત કાર્યશીલ હોય છે તેથી પત્રકારોને પણ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ શ્રી દનીચા એ કરી છે .
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પત્રકારો ચોવીસ કલાક અને સાત દિવસ સતત સર્જાતી વિવિધ ઘટનાઓ, દુર્ઘટનાઓ, કેન્દ્ર અને રાજ્યના જે તે જિલ્લા ની મુલાકાતે આવતા વી .વી.આઈ.પી. ઓ અને મંત્રીઓ ની મુલાકાતો ના સમાચારો અને સરકારના વિવિધ વિભાગોના કાર્યો બાબતે ના સમાચારો પ્રાપ્ત કરવા માટે તેમને ટોલ પ્લાઝા માંથી અવારનવાર પસાર થવું પડતું હોય છે ત્યારે સરકાર માન્ય અને પત્રકારત્વ ની માન્ય ડિગ્રી ધરાવતા પત્રકારોને ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવે તેવી પ્રબળ માંગ કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ પાસે શ્રી દનીચા એ કરી છે.