ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ખારીરોહર ગામમાં નજીવી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. પાંચ દિવસ પહેલા થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખીને બે પરિવારો સામસામે આવી ગયા હતા, જેમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલા થયા હતા અને ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે કુલ 17 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં પ્રથમ ફરિયાદ જુસબ ઉર્ફે જુનુસ મામદ નિગામણાએ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, તેમની બહેન સાથે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખીને અસલમ સુલેમાન પરીટ, ઇબ્રાહિમ સુલેમાન પરીટ, સુમાર કોરેજા, જુનસ કારા કોરેજા, મુસ્તાક ઉર્ફે સર્યો કોરેજા, ફારૂક મામદ બુચડ, નજીર ઇબ્રાહિમ પરીટ, ઇબ્રાહીમ અદા કોરેજા, ફારૂક કારા કોરેજા અને એક 60 વર્ષીય વ્યક્તિએ કાવતરું રચીને તેમને મારી નાખવાના ઇરાદે ધારીયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં જુસબ ઉર્ફે જુનુસના માથામાં ધારીયાના ગંભીર ઘા વાગ્યા હતા. પોલીસે આ ફરિયાદના આધારે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
બીજી તરફ, સામે પક્ષે ફારૂક અયુબભાઇ બુચડે પણ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, પાંચ દિવસ પહેલા થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખીને હારૂન મામદ નિગામણા, રજાક મામદ નિગામણા, નુરમામદ ઉર્ફે નુરી મામદ નિગામણા, સમીર હારૂન નિગામણા, સાલેમામદ મામદ નિગામણા, જુસબ ઉર્ફે જુનસ મામદ નિગામણા અને મામદ સુમાર નિગામણાએ છરી, ધારીયા અને પાઇપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને, તેમના મામી શકીનાબેન અને મામા ઇબ્રાહિમ સુલેમાન પરીટને ઇજા પહોંચી હતી.
બી-ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદોને ગંભીરતાથી લઈ કુલ 17 લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાથી ખારીરોહર ગામમાં તંગદિલીનો માહોલ છે અને પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.