શ્વેત ક્રાંતિ બાદ હવે નમક ક્રાંતિ તરફ કચ્છની દિશામાં એક દશકયોગ પ્રયાસ

શ્વેત ક્રાંતિ બાદ હવે નમક ક્રાંતિ તરફ કચ્છની દિશામાં એક દશકયોગ પ્રયાસ

ગાંધીધામ ટુડે ન્યુઝ: અમૂલ GCMMFના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના મંડાણે કચ્છ જિલ્લામાં નમકના સહકારી મોડલની ઉગમ કથા લખાઈ રહી છે.

આજ રોજ અમૂલ ડેરી, આણંદ ખાતે સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના સમારોહમાં કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની નમક ઉત્પાદક સહકારી મંડળીના નોંધણી પ્રમાણપત્રનું વિતરણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલને નમક ક્ષેત્રે સહકારી ઉદ્યોગ શરુઆત કરવા બદલ શ્રી અમિતભાઈ શાહે ખાસ પીઠ થાબળી હતી. તેમણે જણાવ્યું કે “અમૂલ મોડલની જેમ હવે દૂધ ઉપરાંત નમકનું પણ સહકારી સંપાદન થવાથી કચ્છના અગરિયા પરિવારોને આર્થિક અને સામાજિક રીતે મહત્ત્વનો લાભ મળશે.”

શ્રી વલમજીભાઈના નેતૃત્વ હેઠળ સરહદ ડેરી અને અમૂલ ફેડરેશનના સંયુક્ત પ્રયાસોથી અગરિયા પરિવારો માટે એક નવો સહકારી અવસર ઉભો થયો છે, જે “શ્વેત ક્રાંતિ”ની જેમ હવે “નમક ક્રાંતિ”નો માળખો ઉભો કરશે.

SPCDF નું લોગો વિમોચન: રાજ્ય બહારના દૂધ ઉત્પાદન માટે નવો અવકાશ

આજના સમારોહમાં સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિ. (SPCDF) ના લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું. SPCDF ગુજરાત બહાર દૂધ સંગ્રહ માટે રચાયેલ નવી બહુરાજ્ય સહકારી સમિતિ છે.



તેમાં સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલને ડાયરેક્ટર પદ આપવામાં આવ્યું છે, જે કચ્છ જિલ્લાની અને સરહદ ડેરીની સફળતા માટે એક વિશિષ્ટ પદવી છે.

સહકારથી સમૃદ્ધિ સુધીની યાત્રા

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2021માં દેશના પ્રથમ સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. ચાર વર્ષમાં મંત્રાલયે 60થી વધુ નવી પહેલ દ્વારા “સહકારથી સમૃદ્ધિ”ના મંત્રને સરલતાથી લોકો સુધી પહોંચાડ્યો છે.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.

અતિથિઓમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્ય પ્રધાનશ્રીઓ શ્રી કૃષ્ણ પાલ અને શ્રી મુરીધર મોહોલ, કૃષિ પ્રધાન શ્રી રાઘવજીભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી જગદીષભાઈ વિશ્વકર્મા, સહકાર મંત્રાલયના સેક્રેટરી ડૉ. આશિષકુમાર ભુતાની સહિત ઘણા મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.

સાથે જ GCMMFના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, NDDBના ચેરમેન શ્રી મિનેશભાઈ શાહ, GCMMFના MD શ્રી જયેનભાઈ મહેતા, સરહદ ડેરીના ડિરેક્ટરો, ગ્રામ અગ્રણી, આગેવાન અને પશુપાલક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અહીંથી કચ્છના અગરિયાઓ માટે નમકના ક્ષેત્રે નવો દોર શરૂ થયો છે – એક એવું દોર, જે સહકારના પાયો પર વિકાસ અને ગૌરવની નવી ભવિષ્યરેખા ખેંચશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *