- સમય મર્યાદામાં સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરાય તો બુલડોઝર ચલાવાશે
ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ ગાંધીધામ આદિપુરના મુખ્ય માર્ગોને તેની ઓળખ મળી રહે તે માટે વર્ષો પછી મહાનગરપાલિકા બન્યા બાદ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે ગાંધીધામના સૌથી વ્યસ્ત અને મહત્વના કલેક્ટર રોડને ખુલ્લો કરવા માટે ગુરુવારે ૫૦થી વધુને નોટિસ આપવામાં આવી છે.

કલેકટર રોડ ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતો અહીં મંજૂરી વગર પણ અને કન્ટેનર દુકાન અને અન્ય કેબીનો અને દબાણો થયા હતા. તત્કાલીન સમયના નગરપાલિકાના ચૂંટાયેલા જન પ્રતિનિધિએ પણ કલેક્ટર રોડ ઉપરથી દબાણ દૂર કરવા માટે નગરપાલિકામાં ફરિયાદો કરી હતી.
સતાધારી પક્ષના જ નગરસેવકોએ કરેલી ફરિયાદને ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા પદાધિકારીઓને અધિકારીઓને નજર અંદાજ કરી હતી અને અત્યાર સુધી ક્યારેય દબાણ ઉપર કાર્યવાહી કરી નથી,પરંતુ મહાનગરપાલિકા બનતા માર્ગોને તેની ઓળખ અપાવવાનું કામ થઈ રહ્યું છે જે માર્ગો ૮૦ ફૂટના હતા તે દબાણોને કારણે ૪૦ ફૂટના રહ્યા હતા.
ઘોડાચોકીથી લઈને ઓમ મંદિર સુધી દબાણ હટાવ્યા છે, તો કોલેજ સર્કલથી લઈને રામબાગ રોડ અને ત્યાંથી સુંદરપુરી પાણીના ટાંકા સુધીના દબાણકારોને નોટિસ આપવામાં આવતા સ્વેચ્છાએ અતિક્રમણ દૂર થવા લાગ્યા છે.
હવે મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા કલેક્ટર રોડ અને ચોખ્ખો કરવા માટે ૫૦ નોટિસો આપવામાં આવી રહી છે. અહીં લગભગ ૧૫૦ થી વધુ દબાણો થયા હોવાના આક્ષેપો છે હવે તંત્ર સમય મર્યાદામાં અતિક્રમણ દૂર નહીં થાય તો બુલડોઝર થી કાર્યવાહી કરીને દબાણો દૂર કરશે તેવું જવાબદારો કહી રહ્યા છે.
સોમવારે આદિપુરમાં ઘોડા ચોકીથી લઈને ઓમ મંદિર સુધીમાં ૭૦થી વધુ દબાણો દુર કરાયા

ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સોમવારે આદિપુરમાં ઘોડા ચોકીથી લઈને ઓમ મંદિર સુધીમાં ૭૦થી વધુ દબાણો હટાવવામાં આવ્યા હતા.
જાેકે આ વિસ્તારમાં મોટાભાગના લોકોએ નોટિસો આપ્યા પછી સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા હતા અને જે પાકા દબાણ હતા તેમને પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી ત્યાર પછી તંત્રએ પોલીસ અને મશીનરી સાથે આ કાર્યવાહી કરી છે. મહાપાલિકાની અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કોઈએ વિરોધ પણ કર્યો નથી. મહાનગર બનેલું સંકુલ અંતે દબાણ મુક્ત થવાની દિશામાં જઈ રહ્યું છે.
કાર્યરત શૌચાલય પણ હટાવવાયું

આદિપુરમાં ઘોડા ચોકીથી ઓમ મંદિર સુધી દબાણો ઉપર તંત્ર દ્વારા ગાજ વરસાવી દબાણ મુક્ત મહાનગર બનાવવાની કવાયત શરૂ કરાઇ છે. આ કાર્યવાહીમાં આ જ રોડ પર કાર્યરત શૌચાલય પણ નડતરરૂપ હોવાથી તંત્ર દ્વારા તોડી દૂર કરાયું હતું.
મનપા દ્વારા ધાર્મિક સ્થળોને છોડી દેવાયા
ઓમ મંદિરથી લઈને ઘોડા ચોકી સુધીમાં વહીવટી તંત્ર દ્વારા ૭૦ થી વધુ દબાણ તોડવામાં આવ્યા છે અને અહીં મંદિર અને ચબૂતરા સહિતના જે ધાર્મિક સ્થળો છે તેને છોડી દેવામાં આવ્યા છે હાલના સમયે તેને હટાવવા માટેની કે કોઈ અન્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં તેવું નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે જણાવ્યું હતું.
અન્ય વિસ્તારોમાં કામગીરી થાય તે જરૂરી
કોર્પોરેશન દ્વારા કોલેજ સર્કલ, રામબાગ હોસ્પિટલ રોડ, સુંદરપુરી રોડ સહિતના વિસ્તારોમાં રોડ ઉપર થયેલા ૩૦૦થી વધુ દબાણ અને દૂર કરવા માટે નોટિસો આપી હતી. સમય મર્યાદા પૂર્ણ થઈ એટલે વહીવટી તંત્રએ ઉચ્ચ અધિકારીઓની હાજરી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે થયેલા અતિક્રમણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
સોમવારે ઘોડા ચોકી વાળા માર્ગમાં ૭૦થી વધુ પતરાવાળી અને પાકી દુકાનોના દબાણો તોડી પાડ્યા છે આ કામગીરી આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં થાય તે પણ જરૂરી છે જે જે વિસ્તારોમાં નોટિસો આપવામાં આવી છે.ત્યાં તંત્ર મશીનરી સાથે દબાણ દૂર કરવાનું છે, તેવું જવાબદારો કહી રહ્યા છે.
ટાગોર રોડ ઉપર કાર્યવાહીની રાહ
માર્ગ અને મકાન વિભાગ હેઠળના ગાંધીધામ આદિપુર ને જાેડતા ટાગોર રોડ ઉપર વ્યાપક દબાણો છે તેને નોટિસો આપવામાં આવી છે તેના પણ ઘણા દિવસો વીતી ગયા છે હજુ સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના પગલે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે અને અકસ્માતનું જાેખમ પણ વધ્યું છે તેવામાં આ રોડ ઉપર અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહીની રાહ જાેવાઇ રહી છે.