ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં માળખાકીય વિકાસના પ્રોજેક્ટ્સની ગુણવત્તા અને સલામતી પર ગંભીર સવાલો ઉભા થયા છે. આજે વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 9 લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા અને એક ટ્રક બ્રિજ પર લટકી રહી હતી.
આ ઘટના ગુજરાતમાં પુલ ધરાશાયી થવાની પહેલી ઘટના નથી. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં આવા 17 જેટલા પુલ અને માળખાકીય વિકાસના પ્રોજેક્ટ્સ ધરાશાયી થઈ ચૂક્યા છે, જે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારને છતો કરે છે.
છેલ્લા પાંચ વર્ષમાં પુલ ધરાશાયી થવાની મુખ્ય ઘટનાઓ:
This Article Includes
- ગંભીરા બ્રિજ દુર્ઘટના (9 જુલાઈ 2025): વડોદરાના પાદરા-જંબુસરને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો બ્રિજ તૂટી પડ્યો, જેમાં 9 લોકોના મોત થયા. જર્જરિત હોવા છતાં તેની જાળવણી કે સમારકામ થયું નહોતું.
- બોટાદમાં પુલ ધોવાયો (જૂન 2025 – 20 દિવસ પહેલાં): બોટાદના જનડા ગામમાં પાટલિયા નદી પર માત્ર ત્રણ વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનેલો પુલ ધોધમાર વરસાદને કારણે ધોવાઈ ગયો.
- મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ (5 નવેમ્બર, 2024): આણંદ જિલ્લામાં મહિસાગર નદી પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેન બ્રિજનું કામચલાઉ માળખું ધરાશાયી થઈ ગયું, જેમાં ત્રણ કામદારોના મોત થયા.
- બોડેલી-છોટાઉદેપુર પુલ (28 ઓગસ્ટ 2024): ભારે વરસાદને કારણે લગભગ 50 વર્ષ જૂનો આ પુલ તૂટી પડ્યો. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નહોતી.
- ચોટીલાના હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી (27 ઓગસ્ટ 2024): સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ભારે વરસાદને કારણે 5થી વધુ ગામોને જોડતો આ પુલ ધરાશાયી થયો, જોકે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
- મોરબીના હળવદમાં પુલ ધરાશાયી (26 ઓગસ્ટ 2024): માત્ર એક જ વર્ષ પહેલાં બનાવવામાં આવેલો આ પુલ ભારે વરસાદમાં ધરાશાયી થયો, જે નબળી ગુણવત્તાનું ઉદાહરણ બન્યો.
- સુરત શહેરમાં ઉદ્ઘાટન પહેલાં જ નમી ગયો મેટ્રોનો પુલ (30 જુલાઈ 2024): સુરત શહેરનાં સારોલી વિસ્તારમાં મેટ્રો ફ્લાયઓવરનો એક ભાગ ઉદ્ઘાટન થાય તે પહેલાં જ ક્ષતિગ્રસ્ત થઈને નમી ગયો હતો.
- મહેસાણાના આંબેડકર બ્રિજમાં ગાબડું (14 ફેબ્રુઆરી 2024): મહેસાણામાં આવેલો આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો.
- પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો (23 ઓક્ટોબર 2023): પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધીન ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો, જેમાં એક રિક્ષાચાલકનું મોત નીપજ્યું.
- ખેડા જિલ્લાના બામણગામથી પરિએજને જોડતો બ્રિજ ધરાશાયી (4 ઓક્ટોબર 2023): લાંબા સમયથી જર્જરિત હોવા છતાં આ બ્રિજનું સમારકામ થયું નહોતું.
- ધંધુસરનો 45 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી (5 જુલાઈ 2023): ઉબેણ નદી પર આવેલો આ બ્રિજ 20 ગામના લોકો માટે જૂનાગઢ જવા માટેનો એકમાત્ર રસ્તો હતો.
- મોરબીનો ઝૂલતો પુલ દુર્ઘટના (30 ઓક્ટોબર 2022): મચ્છુ નદી પર બનેલો આ ઝૂલતો પુલ તૂટી પડતા ઓછામાં ઓછા 141 લોકોનાં મોત થયા. સમારકામ બાદ ખુલ્લો મૂકાયાના માત્ર ચાર દિવસમાં જ આ દુર્ઘટના બની હતી.
- રાજકોટના માધાપર ચોકડી પાસે બ્રિજ ધરાશાયી (25 જાન્યુઆરી 2022): નિર્માણાધીન બ્રિજના કામ દરમિયાન પિલર ઉપર કોંક્રિટની કેપ ધસી પડતા બે શ્રમિકો ઇજાગ્રસ્ત થયા.
- મુમતપુરા બ્રિજનો એક સ્પાન પડ્યો (21 ડિસેમ્બર 2021): અમદાવાદના મુમતપુરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો.
- મહેસાણા બાયપાસ હાઈવે પરનો બ્રિજ બેન્ડ થઈ ગયો (24 જાન્યુઆરી 2020): માત્ર 6 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો આ બ્રિજ બેન્ડ થઈ ગયો.
- રાજકોટ જિલ્લાના આજીડેમ ચોકડી પાસે પુલ તૂટી પડ્યો (2020): રાજકોટ જિલ્લામાં પણ આવી જ એક દુર્ઘટના બની હતી.
- સુરતમાં પીપોદ ફ્લાયઓવર બ્રિજ (2019): સુરતમાં પીપોદ ફ્લાયઓવર બ્રિજ પણ દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.
- અમદાવાદનો હાટકેશ્વર પુલ (બાંધકામ 2017, ક્ષતિગ્રસ્ત 2021-22): રૂ. 40 કરોડના ખર્ચે 100 વર્ષના આયુષ્ય સાથે બનાવેલો આ બ્રિજ માત્ર ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને તેને તોડી પાડવો પડ્યો.
“વિકાસ”ના નામે ભ્રષ્ટાચાર અને બેદરકારીનું પુનરાવર્તન
ઉપરછલ્લા બ્રિજ ધરાશાયી થવાની આ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર દ્વારા કરવામાં આવતા “વિકાસ”ના દાવાઓ કેટલી હદે પોકળ છે. પુલોના નિર્માણ અને જાળવણીમાં ભ્રષ્ટાચાર અને તંત્રની ઘોર બેદરકારીને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે, સરકાર ફક્ત સહાયની રકમ ફાળવીને ફરી આ નાગરિકોને જીવના જોખમે જીવવા માટે છોડી દે છે, જ્યારે જવાબદારી નક્કી થતી નથી અને ગુણવત્તા નિયંત્રણના માપદંડો હજુ પણ કાગળ પર જ રહે છે.
આ ઘટનાઓ રાજ્યના માળખાકીય વિકાસમાં પારદર્શિતા અને જવાબદારીની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. સરકાર કડક પગલાં ક્યારે લેશે અને નાગરિકોનો વિશ્વાસ ફરી ક્યારે જીતશે તે જોવું રહ્યું.