ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પ્રેમમાં અંધ બની પ્લેનમાં બેસવાના સપના જોતી એક મહિલા ગુજરાતમાં સાયબર છેતરપિંડીનો ભોગ બનતા બચી ગઈ. સમયસર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે દરમિયાનગીરી કરી મહિલા અને તેના બે નાનાં બાળકોને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે પાછા ભેળવ્યા. આ ઘટના ૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ રાત્રિના સમયે સામે આવી હતી.
એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી કે એક મહિલા તેના બે નાનાં બાળકો સાથે બપોરથી રસ્તા પર બેઠેલી છે અને તેને મદદની જરૂર છે. કોલ મળતા જ ૧૮૧ ટીમના કાઉન્સેલર બારડ નિરૂપા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઠાકોર ચંદ્રિકાબેન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પ્રેમ અને પ્લેનના સપનાની માયાજાળ
મહિલાના કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે તે ઉત્તર પ્રદેશની વતની છે અને હાલ તેના પતિ સાથે કચ્છ જિલ્લાના ભચાઉ નજીક એક કંપનીમાં મજૂરી કામ કરે છે. તેણીએ જણાવ્યું કે તેણીએ પ્રેમલગ્ન કર્યા હતા અને તેને બે સંતાન છે. તાજેતરમાં, આ મહિલા સોશિયલ મીડિયા દ્વારા એક અજાણ્યા પુરુષના સંપર્કમાં આવી હતી. આ પુરુષે પોતાને લંડનનો રહેવાસી અને મધ્ય પ્રદેશમાં બિઝનેસ ધરાવતો હોવાનું જણાવી, મહિલાને તેના બાળકો સાથે રાખી લગ્ન કરવાની લાલચ આપી હતી. ચોંકાવનારી વાત એ હતી કે આ પુરુષે આજદિન સુધી મહિલાને પોતાનો વિડિયો કોલ, ફોટો કે કોઈ ઓળખ ઉપલબ્ધ કરાવી ન હતી.
ઠગાઈનો પર્દાફાશ
૮ જુલાઈના રોજ તે પુરુષે મહિલાને જણાવ્યું કે તે તેને લેવા પ્લેનમાં આવી રહ્યો છે અને તેના માતા-પિતાએ ૧.૫ લાખ રૂપિયાનો સામાન મોકલ્યો છે. જોકે, તેણે તરત જ બીજો ફોન કરીને કહ્યું કે એરપોર્ટ પર તેને પોલીસે પકડી લીધો છે અને મુક્ત થવા માટે ૯૦૦૦ રૂપિયાની જરૂર છે. પ્રેમમાં અંધ બનેલી મહિલાએ પોતાના પતિનો ફોન ચોરી, તેને ૩૦૦૦ રૂપિયામાં વેચી, અને તે પૈસા ઓનલાઈન તે પુરુષને ટ્રાન્સફર કરી દીધા.
૧૮૧ ટીમે તે પુરુષ સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તે વારંવાર અન્ય નંબર પરથી કોલ કરાવે છે, પોતાનું સ્થાન સ્પષ્ટ બતાવતો નથી, અને કયા એરપોર્ટ પર છે એ પણ કહેતો નથી. ટીમે ટેક્નોલોજી દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે તેનો નંબર વિદેશી છે. મહિલા કોન્સ્ટેબલ ચંદ્રિકાબેને પણ વાતચીતમાં સમજી લીધું કે સામે કોઈ નકલી પોલીસ છે.
૧૮૧ અભયમનો સફળ બચાવ
૧૮૧ ટીમ દ્વારા વધુ કાઉન્સેલિંગ કરતા મહિલાને સમજાયું કે તેના પ્રેમ અને પ્લેનમાં બેસવાના સપનાની આ લાલચ પાછળ ઠગાઈ ચાલી રહી હતી. તેણીએ પતિ સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. ટીમે તરત જ તેના પતિનો સંપર્ક કર્યો, જેમણે જણાવ્યું કે તેઓ બપોરથી પત્ની અને બાળકોને શોધી રહ્યા હતા.
૧૮૧ ટીમે કુશળતાપૂર્વક કાઉન્સેલિંગ કરી, પીડિતા અને તેના બાળકોને સુરક્ષિત રીતે પતિને સોંપ્યા. મહિલાએ સ્વીકાર્યું કે, “મારું પ્લેનમાં બેસવાનું સપનું હતું, પણ પતિ મજૂરી કરે છે તેથી પૈસા નથી. એટલે લાલચમાં આવી ઘરેથી નીકળી ગઈ હતી.”
મહિલા અને તેના પતિએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો ખૂબ આભાર માન્યો કે સમયસર આવી તેમની રક્ષા કરી અને વધુ કોઈ વિપરીત બનાવ બન્યો નહીં. આ ઘટના દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિઓ પર ભરોસો કરતા પહેલા સાવચેતી રાખવી કેટલી જરૂરી છે.