ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્ય સરકારે નાના અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપતા, મિલકતોની તબદીલી પર લાગતી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની માફી જાહેર કરી છે. આ નિર્ણયથી કચ્છ જિલ્લાની 430 જેટલી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓને મોટો ફાયદો થશે.
પૃષ્ઠભૂમિ:
લાંબા સમયથી કચ્છમાં ઘણી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ દ્વારા ફાળવાયેલા પ્લોટ અને મકાનોના વેચાણ વ્યવહારો ફક્ત શેર સર્ટિફિકેટના આધારે જ થતા હતા, જેના રજિસ્ટર્ડ દસ્તાવેજો થયા ન હતા. આ કારણે 2021માં, કચ્છના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા 430 સોસાયટીના પ્રમુખોને નોટિસો ફટકારવામાં આવી હતી, જેમાં 95% સોસાયટીઓની સ્ટેમ્પ ડ્યુટી બાકી હોવાનું જણાયું હતું.
મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય:
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જાહેરાત કરી છે કે, રાજ્યની સોસાયટીઓ, એસોસિએશનો અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી મિલકત તબદીલી માટે ભરવાપાત્ર 100% ડ્યુટીની રકમ પૈકી 80% સુધીની ડ્યુટી માફ કરવામાં આવશે. હવેથી, ફક્ત 20% મૂળ ડ્યુટી અને દંડની રકમ મળીને લેવાપાત્ર ડ્યુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે. આ છૂટછાટ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) હેઠળ આપવામાં આવશે.

કચ્છની સોસાયટીઓને લાભ:
સરકારના આ નિર્ણય બાદ સ્થાનિક તંત્ર દ્વારા તેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. કચ્છની 430 કો-ઓપરેટિવ સોસાયટીઓ માટે આ નિર્ણય અત્યંત લાભદાયી સાબિત થશે, કારણ કે તેમની બાકી મિલકતોની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં નોંધપાત્ર રાહત મળશે.
મહત્વની નોંધ:
તારીખ 27/04/1982 પહેલાના ફાળવણી પત્રો સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિને પાત્ર છે. આ તારીખ પછીના ફાળવણી પત્રો જ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીને પાત્ર બનશે.

તાલુકાવાર હાઉસિંગ સોસાયટીઓની સંખ્યા:
ગાંધીધામ: 269
ભુજ: 97
અંજાર: 39
મુન્દ્રા: 10
રાપર: 08
માંડવી: 04
ભચાઉ: 03
કુલ: 430
અરજી માટે જરૂરી આધારો:
એલોટમેન્ટ, શેર સર્ટિફિકેટ અને પઝેશન લેટરની અરજી કરવા માટે નોટરાઇઝ્ડ ડેક્લેરેશન, સોસાયટી દ્વારા અપાયેલા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટ, અસલ પઝેશન લેટર, ઉતરોતર તબદીલી અંગેના વીલ, પેઢીનામું, ઇન્ડેક્સ સહિતના આધારો સાથે ઓનલાઈન અરજી IRSCMS (આઈ.આર.સી.એમ.એસ.)ની વેબસાઈટ પર કરવાની રહેશે. અરજી સાથે તમામ જરૂરી આધારો જોડીને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં જમા કરાવવાના રહેશે.