ગાંધીધામ ટુડે, ન્યૂઝ : 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ અંગે AAIB (Aircraft Accident Investigation Bureau) એ તેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે. આ ભયાવહ દુર્ઘટનામાં એક મુસાફર સિવાય તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા. રિપોર્ટમાં કેટલાક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ચોંકાવનારા ખુલાસા થયા છે, જે દુર્ઘટનાના કારણ પર નવો પ્રકાશ પાડે છે.
પ્રાથમિક રિપોર્ટ મુજબ, એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાને ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડોમાં જ તેના બંને એન્જિન બંધ થઈ ગયા હતા. તપાસમાં સામે આવ્યું કે બંને એન્જિનને ઇંધણ પૂરું પાડતી ફ્યુઅલ કટઓફ સ્વીચ એક જ સેકન્ડમાં ‘RUN’થી ‘CUTOFF’ પોઝિશનમાં જતી રહી હતી. આના કારણે બંને એન્જિનને ઇંધણ મળતું બંધ થઈ ગયું, જેના પરિણામે વિમાનનો પાવર જતો રહ્યો.
આ ઘટનાની માત્ર 5 સેકન્ડ બાદ વિમાનનો પાવર સંપૂર્ણપણે જતો રહ્યો અને Ram Air Turbine (RAT) એક્ટિવ થઈ ગયું. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે. પ્લેન માત્ર 32 સેકન્ડ સુધી જ હવામાં રહી શક્યું હતું. પાયલટ દ્વારા એન્જિન ફરી શરૂ કરવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ પહેલું એન્જિન અમુક ક્ષણો માટે ચાલ્યું જ્યારે બીજું બિલકુલ ચાલુ થઈ શક્યું નહીં.
દુર્ઘટનાગ્રસ્ત વિમાન એરપોર્ટની બાઉન્ડ્રી વોલને પાર કરે તે પહેલા જ નીચે આવવા લાગ્યું હતું. 01:39:05 IST વાગ્યે એક પાયલટે ‘MAYDAY MAYDAY MAYDAY’ નો કોલ આપ્યો, પરંતુ ATC દ્વારા કોલ સાઈન માંગવામાં આવતા કોઈ જવાબ મળ્યો નહીં. બીજી જ ક્ષણે, વિમાન રનવેથી 1.7 કિમી દૂર એક હોસ્ટેલ પર ક્રેશ થયું.
AAIB ના 15 પાનાના આ પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ટેકઓફ સમયે થ્રસ્ટ લીવર ઓછા પાવર પર હતું, જોકે બ્લેક બોક્સ ડેટા દર્શાવે છે કે ટેકઓફ સમયે વિમાને પૂર્ણ ક્ષમતાથી ઉડાન ભરી હતી. તપાસમાં ઇંધણની ગુણવત્તામાં કોઈ ખામી કે ગંદકી મળી નથી. ટેકઓફ સમયે ફ્લેપ્સ અને લેન્ડિંગ ગિયર યોગ્ય પોઝિશનમાં જ હતા. વાતાવરણ સારું હતું, કોઈ પક્ષી ટકરાયું નહોતું અને વિઝિબિલિટી પણ સારી હતી.
બંને પાયલટ ફીટ અને અનુભવી હતા, અને થાક કે માનવીય ભૂલના કોઈ સંકેત મળ્યા નથી. વિમાનનું વજન અને કાર્ગો નિયમ અનુસાર જ હતા, અને કોઈ ખતરનાક સામાન મળ્યો નથી. AAIB એ આ રિપોર્ટ રાત્રે 1 વાગ્યે જાહેર કર્યો છે. આ માત્ર પ્રાથમિક તપાસનો રિપોર્ટ છે અને વિસ્તૃત તપાસ હજુ ચાલુ છે.