ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં રખડતા ઢોરના કારણે સર્જાતી ગંભીર સમસ્યાનો અંત લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રખડતા ઢોરને પકડવા માટેની ટેન્ડર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં સંબંધિત એજન્સીને વર્કઓર્ડર આપી દેવામાં આવશે તેવી જાણકારી જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
શહેરમાં રખડતા ઢોર, ખાસ કરીને આખલાઓ, વાહનચાલકો અને રાહદારીઓ માટે સતત ભયનો સ્રોત બન્યા છે. આખલાઓની લડાઈમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અસંખ્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વરસાદની ઋતુમાં મચ્છર અને માખીઓના ત્રાસથી રખડતા ઢોર આંતરિક વિસ્તારોમાંથી મુખ્ય માર્ગો પર આવી જાય છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોનું પ્રમાણ વધે છે. તાજેતરમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
અગાઉની નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા, પરંતુ મહાનગરપાલિકા બન્યા પછી કમિશનર અને ડેપ્યુટી કમિશનર દ્વારા કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી. ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈએ આ મુદ્દે સક્રિયતા દાખવીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ રહ્યા બાદ, બીજા પ્રયાસમાં ત્રણ ટેન્ડર મળ્યા હતા. હવે ટૂંક સમયમાં એજન્સીની પસંદગી કરીને વર્કઓર્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
ઢોરને રાખવા માટે પ્લોટ ફાળવાયો:
રખડતા ઢોરને પકડીને રાખવા માટે ડીસી પાંચમાં, જ્યાં કચરાની ડમ્પિંગ સાઇટ છે, ત્યાં દિન દયાલ પોર્ટ ઓથોરિટી (DPA) દ્વારા મહાનગરપાલિકાને પ્લોટ ફાળવીને NOC પણ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં અહીંથી કચરો દૂર કરીને રખડતા ઢોરને રાખવા માટેનું માળખું ઊભું કરવામાં આવશે.
હંગામી જગ્યાની શોધ ચાલુ:
જોકે, ડીસી પાંચમાં પ્લોટનો વિકાસ થતાં સમય લાગશે. આથી, રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ થાય ત્યાં સુધી તેમને હંગામી ધોરણે ક્યાં રાખવા તે એક મોટો પ્રશ્ન છે. તંત્ર જોડિયા શહેરોમાં રખડતા ઢોરને રાખવા માટે હંગામી જગ્યા શોધી રહ્યું છે. અગાઉ રામલીલા મેદાનમાં ઢોરને રાખવામાં આવતા હતા, પરંતુ હવે ત્યાં કાનૂની અભિપ્રાય લેવો જરૂરી બન્યો છે.
વહીવટી તંત્રના દાવા મુજબ, હાલ મુખ્ય માર્ગો પરથી રખડતા ઢોરને દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ સ્થાનિક નાગરિકો દ્વારા કામગીરી પૂરતી ન હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આથી, શક્ય તેટલી ઝડપથી રખડતા ઢોરને પકડીને એક જગ્યાએ રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી શહેરીજનોને આ જીવલેણ સમસ્યામાંથી મુક્તિ મળી શકે.