ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ગાંધીધામ રેલવે સ્ટેશન રોડ પરથી બે વ્યક્તિઓને ₹58.08 લાખની કિંમતના હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડી, પંજાબથી નશીલા પદાર્થોના સપ્લાયના જોડાણનો ફરી એકવાર પર્દાફાશ કર્યો છે. પચરંગી શહેરમાં નશાનો વેપાર મોટા પ્રમાણમાં થતો હોવાનું ભૂતકાળમાં અનેક વખત સામે આવ્યું છે, ત્યારે આ કાર્યવાહી ‘નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ’ ઝુંબેશ અંતર્ગત કરવામાં આવી હતી.
SOG PI ડી.ડી. ઝાલાએ વિગતો આપતા જણાવ્યું કે, પૂર્વ કચ્છના SP સાગર બાગમારની સૂચના મુજબ, માદક પદાર્થના ગેરકાયદેસર વેપારને રોકવા માટે ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ASI વિરેન્દ્રસિંહ અને હેડકોન્સ્ટેબલ વનરાજસિંહને બાતમી મળી હતી કે, રેલવે ઓવરબ્રિજથી ગાંધીધામ બસ સ્ટેશન તરફ આવતા હાઈવેના સર્વિસ રોડ પર પંજાબના તરનતારનનો કુલવિન્દરસિંગ હરદેવસિંગ સિંગ અને લખવિન્દરસિંગ ગુરનામસિંગ સિંગ માદક પદાર્થનો જથ્થો લઈને વેચાણ કરવા આવ્યા છે.
આ બાતમીના આધારે વોચ ગોઠવી, બંનેને કોર્ડન કરીને તેમની તલાશી લેતા, તેમની પાસેથી 116.16 ગ્રામ હેરોઈન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે ₹58,08,000 અંદાજવામાં આવી છે. બંને આરોપીઓની અટકાયત કરીને ચાર મોબાઈલ ફોન અને ડિજિટલ વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વધુ કાર્યવાહી માટે આ કેસ બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. જોકે, આ આરોપીઓનો ત્રીજો સાગરિત, તરનતારનના સંગતપુરનો સુખા, હજુ ફરાર હોવાનું PI ઝાલાએ જણાવ્યું હતું.
પકડાયેલા આરોપીઓ પૈકી એક સામે અગાઉ પણ ગુનો નોંધાયેલ
PI ઝાલાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, પકડાયેલા બે આરોપીઓ પૈકી કુલવિન્દરસિંગ હરદેવસિંગ સિંગ વિરુદ્ધ ગયા વર્ષે પણ બી-ડિવિઝન પોલીસ મથકે માદક પદાર્થનો ગુનો નોંધાયેલો છે. પૂર્વ કચ્છમાં, ખાસ કરીને યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારની કાર્યવાહી તેમને બચાવવામાં મદદરૂપ થશે.