ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભરબપોરે ગાંધી માર્કેટમાંથી આંગડિયા પેઢીના સંચાલક અને રેલવે કોન્ટ્રાક્ટર કેતન કાંકરેચાનું મારુતિ સ્વિફ્ટ કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ હથિયાર બતાવી અપહરણ કરતાં ચકચાર મચી ગઈ હતી. જોકે, પૂર્વ કચ્છ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એક અપહરણકર્તાને ઝડપી પાડ્યો હતો અને કેતનભાઈને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
અપહરણ અને પોલીસની ત્વરિત કાર્યવાહી
This Article Includes
બપોરે ૨ વાગીને ૯ મિનિટે બનેલી આ ઘટનામાં, ગાંધી માર્કેટમાં સંકેતનિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતન કાંકરેચાનું ત્રણ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. અપહરણ સમયે કેતનભાઈએ પ્રતિકાર કરતાં અને રાડો પાડતાં આસપાસના લોકોને જાણ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાન ધવલ આચાર્યે ૨ વાગીને ૧૭ મિનિટે એસપી સાગર બાગમાર અને એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરીને જાણ કરી હતી. જેના પગલે પૂર્વ કચ્છ પોલીસ તત્કાળ એક્શનમાં આવી અને ભચાઉ-સામખિયાળીથી કચ્છ બહાર જતા માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરી દીધી હતી.
ફિલ્મી ઢબે પીછો અને એક અપહરણકર્તાને ઝડપી પાડ્યો
પોલીસની નાકાબંધી જોઈને અપહરણકર્તાઓએ હાઈવે પરથી ગાડીને જંગી ગામ તરફ વાળી હતી. જોકે, પહેલેથી જ એલર્ટ પોલીસે આ ગાડીનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું. આ વિસ્તારથી અજાણ અપહરણકર્તાઓ ફાંફે ચઢ્યા હતા અને તેમની ગાડી ગામના સીમાડે આવેલા પાણીના વોકળામાં ફસાઈ ગઈ હતી, જેમાં ગાડીને પણ નુકસાન થયું હતું.

પરિસ્થિતિ પારખી જતાં, ત્રણેય અપહરણકર્તાઓએ કેતનભાઈને ગાડીમાં જ રાખીને પગપાળા નાસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પીછો કરી રહેલી પોલીસે એક અપહરણકર્તાને દબોચી લીધો હતો.
કેતનભાઈ સુરક્ષિત પરત, અનેક સવાલો
અપહરણનો ભોગ બનેલા કેતનભાઈ સહીસલામત ગાંધીધામ પરત આવી ગયા છે. તેમણે નજીકના લોકોને જણાવ્યું કે અપહરણકર્તાઓએ તેમની સાથે કોઈ મારકૂટ કરી ન હતી. કેતનભાઈએ તેમને પૈસા જોઈતા હોય તો ફોન પરત આપવા અને પોતે વ્યવસ્થા કરી આપશે તેમ જણાવ્યું હતું. જોકે, અપહરણકર્તાઓએ તેમને સામખિયાળી ખાતે અન્ય લોકોને સુપ્રત કરવાના હોવાનું જણાવ્યું હતું. અપહરણકર્તાઓ હિન્દીભાષી હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. અપહરણમાં વપરાયેલી કારની નંબર પ્લેટ ખોટી છે. અપહરણ પાછળનો હેતુ ખંડણી માંગવાનો જ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે. પોલીસ અપહરણનો પ્લાન કોણે બનાવ્યો, આરોપીઓ અપહરણ પહેલાં ક્યાં રોકાયા હતા, ગુનાને અંજામ આપતા પહેલાં કોઈ રેકી કરી હતી કે કેમ, ગાડી કોની છે, કેતનભાઈ પાસે રહેલી માલમતા લૂંટી છે કે કેમ, વગેરે વિવિધ મુદ્દે ગહન તપાસ ચલાવી રહી છે.
આંગડિયા પેઢીના સંચાલક હેમખેમ
ગાંધીધામમાં સંકેતનીધી આંગડિયા પેઢીના સંચાલકના અપહરણ કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, અપહરણકર્તાઓ પોલીસ પીછો કરી રહી હોવાનું જણાતા સંચાલકને રસ્તામાં ઉતારીને નાસી છૂટ્યા હતા. ડીવાયએસપી મુકેશ ચૌધરીએ જણાવ્યું કે, અપહૃત સંચાલક હેમખેમ છે અને તેમને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.