ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખી લઘુશંકા કરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનામાં ઝારખંડના એક યુવાનને તેના બે સહકર્મીઓએ લાકડાના ધોકા વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક પપ્પુ ચૌધરી (મૂળ ઝારખંડ) ભચાઉના વાદીનગર ખાતે મજૂરી કામ કરતો હતો. ગત 8 જુલાઈની રાત્રે લગભગ 10 વાગ્યાના અરસામાં, પપ્પુનો રૂમમાં હતો ત્યારે તેના બાજુમાં રહેતા હિતેશ પર્વતસિંહ બારીયા અને તેનો ભાઈ રાકેશ બારીયા સાથે બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખી લઘુશંકા કરવા મુદ્દે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ત્રણેયને ઇજા થઈ હતી.
ઇજાગ્રસ્તોને ભચાઉ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી પપ્પુ અને હિતેશ બારીયાને વધુ સારવાર માટે ગાંધીધામ ખસેડવામાં આવ્યા હતા. ગાંધીધામ લઈ જતી વખતે પપ્પુએ તેના ભાઈ ઇનાયતને જણાવ્યું હતું કે હિતેશ અને રાકેશે તેને માથામાં વારાફરતી ધોકાના ફટકા માર્યા હતા. પપ્પુની હાલત વધુ ગંભીર બનતા તેને ગાંધીધામથી રાજકોટ વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.
પપ્પુના ભાઈ ચંદનભાઈ રામજીભાઈ ચૌધરીએ ભચાઉ પોલીસ મથકે પોતાના નાના ભાઈની હત્યા કરનાર હિતેશ પર્વતસિંહ બારીયા અને રાકેશ બારીયા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે હત્યા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર જગાવી છે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે.