ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આજે સવારે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) દ્વારા વચલી બજાર વિસ્તારમાં ગટર સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, સફાઈ બાદ ગટરમાંથી કાઢવામાં આવેલો કચરો ત્યાંથી હટાવવામાં ન આવતા, આખો વચલી બજાર વિસ્તાર ગટરની અસહ્ય દુર્ગંધથી ભરાઈ ગયો છે.
સ્થાનિક વેપારીઓ અને રહીશોના જણાવ્યા અનુસાર, GMC દ્વારા ગટર સાફ કરીને કચરો ગટરની બહાર ઢગલાબંધ છોડી દેવામાં આવ્યો છે. આ કચરો દિવસભર ત્યાં પડ્યો રહેતા આસપાસના વાતાવરણમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે રાહદારીઓ અને બજારમાં આવતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે, “સવારથી ગટરનો કચરો અહીં પડ્યો છે અને તેની દુર્ગંધથી શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવી તે સારી વાત છે, પરંતુ કચરાનો નિકાલ ન થતા પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.”
આ મામલે GMC તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કચરાનો નિકાલ કરવામાં આવે અને વાછલી બજારના લોકોને દુર્ગંધમુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.