ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લામાં 1,60,483 લોકોને હવે સરકારી રાશનનો લાભ નહીં મળે. કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અટકાવવા અને ડેટાને ડિજિટલાઇઝ કરવા માટે ફરજિયાત કરાયેલ E-KYC (ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) પ્રક્રિયા પૂર્ણ ન કરનારા રેશનકાર્ડ ધારકો માટે આ નિર્ણય લેવાયો છે. E-KYC માટેની અંતિમ તારીખ 30 જૂનના રોજ પૂર્ણ થઈ ચૂકી છે.
જિલ્લા પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ કુલ 2,26,818 રેશનકાર્ડ ધારકો છે, જેમના 11,76,061 સભ્યો છે. તેમાંથી, 2,63,145 રેશનકાર્ડનું E-KYC થઈ ગયું છે, પરંતુ 5,673 રેશનકાર્ડ ધારકોએ, વારંવાર મુદતો લંબાવાઈ હોવા છતાં, હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આ 5,673 કાર્ડ સાથે સંકળાયેલા 1,60,483 સભ્યો હવે વ્યાજબી ભાવની દુકાનોમાંથી સરકારી રાશન મેળવી શકશે નહીં.
જોકે, જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ. હાશમીએ સ્પષ્ટતા કરી છે કે જે લોકો હજુ પણ E-KYC કરાવવા ઈચ્છે છે, તેઓ ગ્રામ પંચાયત અથવા સરકારી કચેરી ખાતે જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરાવી શકે છે. આનાથી તેમને રાશનનો લાભ ફરીથી મળતો થઈ શકે છે. સરકારનો આદેશ સ્પષ્ટ છે કે ડિજિટલ ડેટા અને પારદર્શિતા માટે E-KYC અનિવાર્ય છે.