ભચાઉની આંગણવાડી કાર્યકરો દ્વારા BLO ફરજમાંથી મુક્તિ માટે આવેદન

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ તાલુકાની આંગણવાડી કાર્યકરોએ મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રીને આવેદનપત્ર સુપરત કરી તેમને બૂથ લેવલ ઓફિસર (BLO) ની ફરજમાંથી મુક્તિ આપવા વિનંતી કરી છે. આ આવેદનપત્ર વિધાનસભા, મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ભુજને પણ સંબોધવામાં આવ્યું છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે, આંગણવાડી કાર્યકરોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ રજીસ્ટર, રેકોર્ડ, ઓનલાઈન FRS કામગીરી, MMY યોજના, મંગળવારની ઉજવણી, બાળકોના વજન અને ઊંચાઈ જેવી સેવાઓ સહિતની અનેક દૈનિક કામગીરીઓ કરવાની હોય છે. આટલી બધી કામગીરીઓ વચ્ચે તેમની પાસે BLO તરીકેની વધારાની ફરજ નિભાવવા માટે પૂરતો સમય રહેતો નથી.

Advertisements

કાર્યકરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, BLO ની ફરજને કારણે બાળકોની પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પડે છે, જેનાથી ICDS (સંકલિત બાળ વિકાસ સેવાઓ) નો મુખ્ય હેતુ, એટલે કે બાળકનો સર્વાંગી વિકાસ અને શારીરિક વિકાસનો ધ્યેય પૂર્ણ થઈ શકતો નથી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે આંગણવાડી કાર્યકર અને હેલ્પરને માનદ વેતન આપવામાં આવે છે અને BLO કામગીરી માટે અપાતું નજીવું ભથ્થું તેમને પોસાય તેમ નથી.

આવેદનપત્રમાં સંદર્ભપત્રોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ICDS સેવાઓ સિવાય અન્ય પ્રવૃત્તિઓ ન કરાવવાની સૂચના આપવામાં આવેલી છે. કાર્યકરોએ જણાવ્યું કે આ અગાઉ પણ ભચાઉ પ્રાંત કચેરીએ આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં ફરીથી તેમને તાલીમનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જે યોગ્ય નથી.

Advertisements

નીચે દર્શાવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને BLO ની કામગીરીમાંથી મુક્તિ આપવા માટે સચિવશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવી છે. આ મુદ્દે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આંગણવાડી કાર્યકરો દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment