ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસે ગત બુધવારે, ૧૬ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ગાંધીધામમાં એક આંગડિયા પેઢીના માલિકનું હથિયાર બતાવી અપહરણ કરવાના સનસનાટીભર્યા ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. પોલીસે અપહ્યત વેપારીને હેમખેમ છોડાવી એક આરોપીને દબોચી લીધો છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, ૧૬/૦૭/૨૦૨૫ ના રોજ ગાંધીધામના પ્લોટ નં. ૨૩૧, વોર્ડ નં. ૧૨/બી ખાતે આવેલ સંકેતનિધિ આંગડિયા પેઢીના માલિક, કેતનભાઈ કાકરેચાનું ચાર અજાણ્યા આરોપીઓએ રિવોલ્વર બતાવી, ફિલ્મી ઢબે ફોર વ્હીલ વાહનમાં બળજબરીથી બેસાડી અપહરણ કર્યું હતું. આરોપીઓનો ઈરાદો પૈસા પડાવવાનો હતો. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી અને સફળ રેસ્ક્યુ ઓપરેશન : ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ, અને પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, પૂર્વ કચ્છ, ગાંધીધામ દ્વારા આ અપહરણનો ગુનો સત્વરે શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી (અંજાર વિભાગ) અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા (ભચાઉ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરવામાં આવી હતી.
એન.એન.ચુડાસમા, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામની આગેવાની હેઠળ એલ.સી.બી., ગાંધીધામ એ ડિવિઝન, સામખિયાળી અને ભચાઉ પોલીસ સ્ટેશનની કુલ ૧૨ ટીમો બનાવી ત્વરિત કાર્યવાહી કરવામાં આવી. સ્થાનિક નેત્રમ શાખા મારફતે સી.સી.ટી.વી. ફૂટેજ ચકાસી તાત્કાલિક એલ.સી.બી.ની ટીમે અપહરણકર્તાઓ જે ફોરવ્હીલ વાહનથી નાસી છૂટ્યા હતા તેને ટ્રેસ કરી સતત પીછો કર્યો હતો.
આરોપીઓને પોલીસ તેમનો પીછો કરતી હોવાનું જણાતા, તેમણે પોતાની કાર ફૂલ સ્પીડે હંકારી વોંધ રામદેવપીર ચાર રસ્તાથી આંબલીયારા ગામ તરફ નાસવાનો પ્રયાસ કર્યો. જોકે, પોલીસ ટીમો આરોપીઓની કાર નજીક પહોંચી જતાં, આરોપીઓએ પોતાની કાર આંબલીયારા સીમમાં રણના કાચા રસ્તે ઉતારી, કાર મૂકીને ભાગી ગયા હતા. પોલીસે તુરંત જ તે કારમાંથી ભોગ બનનાર કેતનભાઈ કાકરેચાને હેમખેમ હસ્તગત કરી લીધા હતા.
એક આરોપી ઝડપાયો, અન્ય આરોપીઓ ફરાર : ભાગી ગયેલા ચાર આરોપીઓમાંથી એક ઈસમને પોલીસે પીછો કરીને ઝડપી પાડ્યો હતો. આ ઈસમની પૂછપરછ કરતા તેણે શરૂઆતમાં ખોટી માહિતીઓ આપી હતી, પરંતુ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. તેણે કબૂલાત કરી કે, કેતનભાઈનું અપહરણ હિતેન્દ્રસિંહ ઝાલા, રહે. શક્ત શનાળા ગામ, મોરબી, ના કહેવાથી તેણે અને અન્ય આરોપીઓએ મોટી રકમ મેળવવા માટે કર્યું હતું.
પકડાયેલ આરોપીનું નામ પવન કિશનલાલ બરોર (ઉ.વ. ૨૪), રહે. શ્રીગંગાનગર, રાજસ્થાન છે. કાયદેસરની કાર્યવાહી કરી તેને વધુ કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ગુનાના મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા, રહે. શક્ત શનાળા ગામ, નવા પ્લોટ વિસ્તાર, તા.જી. મોરબી, હજુ ફરાર છે. તેની સાથે અન્ય ફરાર આરોપીઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- તુષાંત ઉર્ફે સુરજ ઉર્ફે ટાઈગર લેખરાજ વાસુ, રહે. બજ્જુ તેજપુરા, જી. બિકાનેર, રાજસ્થાન (હિતેન્દ્રસિંહનો બોડીગાર્ડ)
- શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢા, રહે. ગામ-બંધલી, બજ્જુ, જી. બિકાનેર, રાજસ્થાન
- આકાશ નિરંજનસિંહ રાજપુત, રહે. ગલી નં.૩/૪, વોર્ડ નં. ૩, ટાવર રોડ, રાધા સ્વામી સત્સંગ ડેરાની સામે, શ્રીગંગાનગર
- અજય નામનો માણસ
- ભૈયાજી નામનો માણસ
- તપાસમાં નીકળે તે અન્ય.
આરોપીઓએ ભોગ બનનારના ઘર તથા આંગડિયા પેઢીની રેકી કરી હતી. અપહરણના દિવસે, આરોપીઓ સ્વિફ્ટ કાર તથા હ્યુન્ડાઈ વર્ના કાર લઈને ભોગ બનનારની ઓફિસની આસપાસ તેમની વોચમાં હતા. જ્યારે ભોગ બનનાર એકલા ઓફિસેથી નીકળી રહ્યા હતા, ત્યારે આરોપીઓએ બળજબરીથી હથિયાર બતાવી તેમનું અપહરણ કરી સ્વિફ્ટ કારમાં બેસાડ્યા હતા. બંને કારોથી અપહરણ કરી તેમને મોરબી ખાતે હિતેન્દ્રસિંહના ફાર્મહાઉસમાં લઈ જઈ ખંડણી માંગવાનો તેમનો ઇરાદો હતો.
કબ્જે કરેલ મુદ્દામાલ અને નોંધાયેલ ગુનો : પોલીસે ઘટનાસ્થળેથી ૨ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૧૦,૫૦૦/-) કબ્જે કર્યા છે. આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૦૯૮૬/૨૫, બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૪૦(૨), ૬૧(૧)(એ), આર્મ્સ એક્ટ ૨૫(૧)(બી), અને જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી (અંજાર વિભાગ), નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા (ભચાઉ વિભાગ), લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.ચુડાસમા, પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી (સામખિયાળી પો.સ્ટે.), પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.ચૌધરી (ગાંધીધામ એ ડિવિઝન પો.સ્ટે.), પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એ.જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ઝાલા (એસ.ઓ.જી.), પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી.પટેલ (એલ.સી.બી.) તથા એલ.સી.બી., એસ.ઓ.જી., ગાંધીધામ એ ડિવિઝન, સામખિયાળી, ભચાઉ પોલીસ સ્ટાફ અને જિલ્લા નેત્રમ શાખા દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે.
પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ અને કાર્યવાહી ચાલુ રાખી છે.