ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા રાજુભાઈ રસિકલાલ કોટક પર લૂંટના ઇરાદે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો રાજુભાઈ તેમની દુકાન ખોલવા ગયા ત્યારે હાઇવે પર આવેલ રાધે કોમ્પ્લેક્સ પાસે બન્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ રાજુભાઈ જ્યારે પોતાની દુકાન ખોલી રહ્યા હતા, ત્યારે અચાનક બે અજાણ્યા શખ્સોએ છરી વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરોનો મુખ્ય ઇરાદો લૂંટ કરવાનો હતો. હુમલા દરમિયાન રાજુભાઈને હાથ અને કાંડાના ભાગે ગંભીર છરીના ઘા વાગ્યા હતા, અને તેમની કોણી પર પણ ઈજા થઈ હતી. હુમલાખોરો સાથે ત્રીજી એક વ્યક્તિ બ્લુ કલરની બલેનો કારમાં નજીકમાં જ બેઠી હતી, જેણે ઘટનાને અંજામ આપવામાં મદદ કરી હોવાનું મનાય છે.
જોકે, આસપાસના લોકો રાજુભાઈની બુમરાણ સાંભળીને ધોકા લઈને મદદ માટે દોડી આવતા, હુમલાખોરો ગભરાઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. તુરંત જ ઈજાગ્રસ્ત રાજુભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, આ જે જગ્યાએ બનાવ બન્યો તે આર. કે. આંગડિયા – મીઠીરોહર બ્રાન્ચ હોવાનું મનાય છે અને રાજુભાઈ પર આ પ્રકારનો હુમલો પ્રથમ વખત નથી બન્યો. આ પહેલા પણ બે વખત તેમના પર આવા જ લૂંટના પ્રયાસ સાથેના હુમલા થયા હતા, પરંતુ કમનસીબે તે કેસોમાં કોઈ સંતોષકારક પરિણામ આવ્યું નહોતું.
આ ઘટનાએ ગાંધીધામના વેપારી આલમમાં ભય અને ચિંતાનો માહોલ સર્જ્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરે છે. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હુમલાખોરોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરે તેવી વેપારીઓ અને સ્થાનિક નાગરિકોની માંગ છે.