ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યભરની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં મોટા પાયે સ્ટેમ્પ ડ્યુટી ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે. બાંધકામવાળી મિલકતોને ‘ઓપન પ્લોટ’ (ખુલ્લી જમીન) તરીકે દર્શાવીને દસ્તાવેજોની નોંધણી કરવામાં આવતી હતી, જેના કારણે સરકારને કરોડો રૂપિયાની મહેસૂલી આવક ગુમાવવી પડી રહી હતી. સરકારી તંત્ર મોડે-મોડે જાગૃત થયું છે અને હવે આવા દસ્તાવેજોની 100% સ્થળ ચકાસણી કરવાનો કડક આદેશ કરવામાં આવ્યો છે.
કૌભાંડ કેવી રીતે ચાલતું હતું?
This Article Includes
મળતી માહિતી મુજબ, મિલકતના પક્ષકારો સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં ઓપન પ્લોટવાળી મિલકતના વેચાણ દસ્તાવેજની નોંધણી કરાવતી વખતે ખોટી માહિતી રજૂ કરતા હતા. તેઓ દસ્તાવેજ સાથે મિલકત ઓપન પ્લોટ હોવા અંગેનું સોગંદનામું રજૂ કરતા હતા અને મિલકતના ફોટોગ્રાફ્સ પણ અક્ષાંશ-રેખાંશની વિગતો સાથે રજૂ કરતા હતા, જેથી મિલકતની સ્થળ સ્થિતિ ‘ઓપન પ્લોટ’ તરીકે દર્શાવી શકાય. સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી નિરીક્ષક દ્વારા આ અંગે સૂચનાઓ હોવા છતાં, બાંધકામવાળી મિલકતોને ઓપન પ્લોટ દર્શાવીને દસ્તાવેજો થતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
સરકારી તંત્રની મોડેથી જાગૃતિ અને નવા આદેશો
આ વ્યાપક સ્ટેમ્પ ડ્યુટી ચોરીને અટકાવવા માટે, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક દ્વારા રાજ્યના દરેક સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન નાયબ કલેક્ટરને પત્ર લખીને કડક સૂચના આપવામાં આવી છે. આ સૂચના અનુસાર, સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી થયેલા તમામ દસ્તાવેજોની 100% ચકાસણી કરવામાં આવશે. એટલું જ નહીં, ઓપન પ્લોટ તરીકે નોંધણી થયેલા દરેક દસ્તાવેજોની મિલકતોના અક્ષાંશ અને રેખાંશના આધારે ફરજિયાત સ્થળ તપાસ પણ કરવાની રહેશે.
અગાઉ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા ઓપન પ્લોટ તરીકે નોંધાયેલા દસ્તાવેજોની રેન્ડમ ચકાસણી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે, આ સૂચનાનું પાલન ન થતા પક્ષકારો બાંધકામવાળી મિલકતોના દસ્તાવેજોને ઓપન પ્લોટ તરીકે નોંધણી કરાવતા હોવાનું બહાર આવ્યું હતું, જેના પગલે ગાંધીનગરની વડી કચેરી દ્વારા હવે કડક આદેશો જારી કરવામાં આવ્યા છે.
જવાબદારી નક્કી કરાશે: ચૂક થશે તો ડેપ્યુટી કલેક્ટર પણ જવાબદાર
આ નવા આદેશોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ઓપન પ્લોટ તરીકે નોંધણી થયેલા દરેક દસ્તાવેજોની ચકાસણી અને સ્થળ તપાસની જવાબદારી સબ-રજિસ્ટ્રાર કચેરીના કચેરી અધિક્ષક તેમજ સ્ટેમ્પ નિરીક્ષક ની રહેશે. આ ઉપરાંત, તમામ દસ્તાવેજોની ચકાસણી થઈ છે કે નહીં તેની ખાતરી અને મોનિટરિંગ નાયબ કલેક્ટર કરશે. સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી નિરીક્ષકે ચેતવણી ઉચ્ચારી છે કે જો કોઈ ચૂક થશે, તો નાયબ કલેક્ટર ઉપરાંત જે તે કચેરી અધિક્ષક અથવા સ્ટેમ્પ નિરીક્ષકની અંગત જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.
આ કડક પગલાંથી સ્ટેમ્પ ડ્યુટી ચોરીના કૌભાંડ પર લગામ કસવામાં મદદ મળશે અને સરકારની મહેસૂલી આવકમાં વધારો થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.