ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના મુજબ, પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના અભિયાન અંતર્ગત એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબી પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાની હેઠળ ભચાઉના કુખ્યાત બુટલેગર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે.
અશોક મામા બહારના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મંગાવી, તેનો સંગ્રહ અને હેરફેર કરવાની પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. તેની સામે ભચાઉ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. કચ્છ કલેક્ટર દ્વારા મંજૂર કરાયેલી પાસા દરખાસ્તના આધારે, ભચાઉ પોલીસ અને એલસીબીની સંયુક્ત ટીમે તેની અટકાયત કરી સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા અઢી દાયકામાં અશોક મામા સામે ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણ અને હેરફેર સંબંધિત 8 ગુના નોંધાયેલા છે. આ અગાઉ પણ તેને અનેક વખત પાસા હેઠળ જેલવાસ ભોગવવો પડ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.