ગાંધીધામ ટુડે, ન્યૂઝ : વિદ્યાર્થીઓમાં વધતી આત્મહત્યાની ઘટનાઓને “તંત્રની નિષ્ફળતા” ગણાવતા, સુપ્રીમ કોર્ટે દેશભરની શાળાઓ, કોલેજો અને કોચિંગ સેન્ટરો માટે કડક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા પ્રમાણ અને વિશાખાપટ્ટનમમાં એક NEET ઉમેદવારના મૃત્યુના કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ ગંભીર મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં વધતી આત્મહત્યા ખરેખર એક ગંભીર મામલો છે, જેમાં બંધારણીય હસ્તક્ષેપ આવશ્યક છે. સુપ્રીમ કોર્ટે મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો પણ આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટની મુખ્ય ગાઈડલાઈન્સ:
This Article Includes
સુપ્રીમ કોર્ટે દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે નીચે મુજબની 15 જેટલી ગાઈડલાઈન્સનું પાલન કરવા આદેશ આપ્યો છે:
- સમાન સ્વાસ્થ્ય નીતિ: દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે એક સમાન નીતિ લાગુ કરવી પડશે.
- UMMEED કાર્યક્રમનો અમલ: કેન્દ્ર સરકારના ‘UMMEED’ (અન્ડરસ્ટેન્ડ, મોટિવેટ, મેનેજ, એમ્પથાઇઝ, એમ્પાવર એન્ડ ડેવલપ) કાર્યક્રમનો યોગ્ય રીતે અમલ કરવા આદેશ અપાયો છે.
- માનસિક તણાવ ઘટાડવાના પ્રયાસો: રાજ્યોને વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ ઘટાડવા અને તેમને આત્મહત્યા કરતા અટકાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે.
- કાઉન્સેલરની ફરજિયાત નિમણૂક: 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી દરેક શૈક્ષણિક સંસ્થાએ એક માન્ય કાઉન્સેલર, સાયકોલોજિસ્ટ અથવા સોશિયલ વર્કરની ભરતી કરવી ફરજિયાત છે. ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી સંસ્થાઓ બહારથી સેવાઓ લઈ શકશે.
- સુરક્ષા ઉપાયો: અત્યંત ઊંચી ઇમારતોમાં રૂફટોપ, બાલ્કની પર જતા અટકાવવા અને ટેમ્પર પ્રૂફ સીલિંગ ફેન લગાવવા જેવા સુરક્ષા પગલાં લેવા.
- ફરિયાદ નિવારણ કેન્દ્ર: કોચિંગ સેન્ટરોમાં ફરજિયાત ફરિયાદ નિવારણ કેન્દ્ર તૈયાર કરવાનું રહેશે.
સુપ્રીમ કોર્ટે આ તમામ નિયમો બે મહિનાની અંદર લાગુ કરવા નિર્દેશ આપ્યો છે.
વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા:
સુપ્રીમ કોર્ટ સમક્ષ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2022માં ભારતમાં આત્મહત્યાની કુલ 1,70,924 ઘટનાઓ નોંધાઈ હતી. તેમાંથી 7.6%, એટલે કે 13,044 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેમણે માનસિક તણાવને કારણે પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે 2,248 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે આત્મહત્યા કરી હતી. સુપ્રીમ બેન્ચે નોંધ્યું હતું કે છેલ્લા બે દાયકામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2001માં આ આંકડો 5,425 હતો, જે 2022માં વધીને 13,044 પર પહોંચી ગયો છે.
સુપ્રીમ કોર્ટનો આ આદેશ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સલામતી માટે એક મહત્વપૂર્ણ પગલું છે. હવે જોવાનું રહેશે કે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર આ ગાઈડલાઈન્સનો કેટલો અસરકારક રીતે અમલ કરે છે.