ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છમાં બેફામ બનેલી દારૂની ખુલ્લી વેચાણ અને વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ કચ્છ કોંગ્રેસના યુવા નેતા માતંગ નિતેશ પી. લાલન દ્વારા જિલ્લાના એસ.પી. શ્રી અને મામલતદાર શ્રી, ગાંધીધામને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં આગામી ૭ દિવસમાં દારૂબંધીનો કડક અમલ કરવા અને અસામાજિક તત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો આ મુદ્દે કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
માતંગ નિતેશ પી. લાલને પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે પૂર્વ કચ્છ જિલ્લામાં દિવસ-રાત અસામાજિક પ્રવૃત્તિઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ખુલ્લેઆમ વેચાતા નશીલા પદાર્થોના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે. “ડ્રિંક એન્ડ ડ્રાઈવ” ના બનાવો પણ ખૂબ વધી રહ્યા છે, જેના કારણે અનેક પરિવારોને નુકસાન થઈ રહ્યું છે. સભ્ય સમાજને ન શોભે તેવા શરમજનક બનાવો મહિલાઓ સાથે બની રહ્યા છે. જિલ્લામાં નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જેના પર પોલીસ તંત્રની મીઠી નજર હોય તેવું સ્પષ્ટપણે પ્રતીત થાય છે અને કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા હોય તેવું નરી આંખે દેખાય છે.
આ રજૂઆતને ગંભીરતાથી લઈ અસામાજિક તત્વો વિરુદ્ધ ધાક બેસાડતી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. માતંગ નિતેશ પી. લાલને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો ૭ દિવસની અંદર સંપૂર્ણ નશાબંધીનો કડકમાં કડક અમલ નહીં થાય, તો તેઓ સાહેબશ્રીની કચેરી સામે ઉપવાસ પર બેસશે, જેની તમામ જવાબદારી પોલીસ પ્રશાસનની રહેશે.
આ આવેદનપત્ર સુપરત કરતી વખતે માતંગ નિતેશ પી. લાલન સાથે પ્રશાંત મહેશ્વરી, રોહિત રાજપૂત, જસુભાઈ આહીર, ઇમરાન માંજોઠી, શંકરભાઈ સંજોટ, ગોપાલભાઈ સોંધમ, રાજેશભાઈ લાલન, જયેશ થારુ, સાહિલ સુંઢા સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ આવેદનપત્રની નકલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા વિપક્ષ શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબને પણ રવાના કરવામાં આવી છે.