- 23 દિવસથી યુવતી લાપતા, વિધર્મી યુવક ઉપર શંકા, સંગઠન સંડોવાયાની આશંકા
ગાંધીધામ ટુડે ન્યુઝ, અબડાસાના ખારુઆ ગામની દલિત સમાજની એક યુવાન યુવતીના અચાનક ગુમ થવાથી સમગ્ર કચ્છમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ઘટનાને હવે 23 દિવસ વીતી ગયાં હોવા છતાં યુવતી કે તેની સાથે ભગાડી ગયેલા વિધર્મી યુવકનો કોઇ પત્તો મળ્યો નથી. વધુમાં સમગ્ર ઘટનાને લવ જેહાદ સાથે જોડતી શંકા પણ પ્રબળ બની રહી છે.
આ કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે, ભુજના નાગિયારી ગામના જે વિધર્મી યુવકે યુવતીને લઈ ગયો છે, તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાઈ રહી છે. યુવકે યુવતીને મુંબઇ લઈ જઈ, ટૂંક સમયમાં જ તેની સાથે લગ્ન કરી લીધા હોવાનો ઇનપુટ મળ્યો છે – જે પ્રમાણે ઘટનાઓ બનેલી છે, તે પ્રમાણે આ બધું પ્રિ-પ્લાન્ડ જણાઈ રહ્યું છે. આગેવાન નરેશ મહેશ્વરીએ શંકા વ્યક્ત કરી છે કે આ પાછળ કોઈ લવ જેહાદી સંગઠન કાર્યરત છે જેથી તેઓએ પોલીસને રજૂઆત કરી છે.
મુક્ત માંગણી – તાત્કાલિક પગલાં જરૂરી:
આ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ છે, પણ યુવતીના પરિવારજનો અને સ્થાનિક આગેવાનોના અનુસાર, યુવતીને લવ જેહાદના મોડેલ હેઠળ ઉચકવામાં આવી છે. સામાજિક આગેવાન નરેશ મહેશ્વરીએ પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરીને માંગ કરી છે કે – આવા સંગઠનો સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
યુવકએ બધાં કોન્ટેક્ટ બંધ કર્યા:
મળતી માહિતી મુજબ યુવકે તેના તમામ સોશ્યલ મીડિયા એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધા છે. તે સાદા ફોન નો ઉપયોગ કરે છે, ન તો કોઈ પબ્લિક ટ્રાવેલ બુકિંગ (ટ્રેન/ફ્લાઇટ) છે. એવું માનવામાં આવે છે કે તે જાહેર સ્થળોથી દૂર રહી ગુપ્તસ્થળે વસવાટ કરી રહ્યો છે – જેને કારણે પોલીસે સતત મુંઝવણ અનુભવી છે.
તપાસના દાયરા ચાર શહેર સુધી વિસ્તર્યા:
યુવતીને શોધવા માટે કોઠારા, ભુજ, મુંબઇ, અમદાવાદ, કપડવંજ અને મોડાસા જેવી જગ્યાઓમાં પોઇન્ટબેઝ તપાસ કરવામાં આવી રહી છે. યુવતી વિદેશ ફરાર તો થઈ નથી ગઈ ને? તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.