ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના અત્યંત વ્યસ્ત કચ્છ કલા રોડ પર મામલતદાર કચેરી પાસે એક મોટો ભૂવો પડ્યો છે. સ્થાનિકોનું માનવું છે કે નીચેની સીવેજ લાઈનમાં ભંગાણ થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જે ચોમાસાની શરૂઆતમાં જ માળખાકીય સુવિધાઓની નબળી જાળવણી છતી કરે છે. મહાનગરપાલિકાના કર્મચારીઓએ સ્થળની મુલાકાત લીધા પછી પણ કલાકો સુધી કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ ભૂવો નાના-મોટા વાહનો, રાહદારીઓ અને પશુઓ માટે અત્યંત જોખમી બની શકે છે, જેનાથી ગંભીર અકસ્માતનો ભય રહેલો છે. તંત્રની આ નિષ્ક્રિયતા સામે પ્રજામાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. શહેરીજનો દ્વારા તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સખત માંગણી કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.