ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કંડલા મહાબંદરના કસ્ટમ કમિશનર એમ. રામમોહન રાવ તાજેતરમાં નિવૃત્ત થતાં તેમને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને કંડલા ટેંક ફાર્મ ઓનર્સ એસોસિએશનના પ્રતિનિધિમંડળે તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમનું સન્માન કર્યું હતું.
ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા
આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ કમિશનર રાવની નોંધપાત્ર કામગીરી અને વહીવટી અનુભવની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપીને તેમણે આયાત-નિકાસ અને કસ્ટમ્સની પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વેપાર-ઉદ્યોગ ક્ષેત્ર સાથેના તેમના સહયોગને પણ યાદ કરવામાં આવ્યો હતો.
ટેંક ફાર્મ એસોસિએશન દ્વારા આભાર વ્યક્ત
કંડલા ટેંક ફાર્મ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, કંડલા એશિયાનું સૌથી મોટું ટેંક ફાર્મ સ્ટોરેજ કેપેસિટી ધરાવતું બંદર છે. તેમણે લિક્વિડ અને કેમિકલની આયાતને લગતી કસ્ટમ્સ પ્રક્રિયાઓને સરળ બનાવવામાં કમિશનર રાવના વિશેષ પ્રયત્નો બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજા સહિત નરેન્દ્ર રામાણી, હરીશ માહેશ્વરી, હેમચંદ્ર યાદવ, રોમેશ ચતુરાણી, દિનેશ સિંઘાનીયા, નિતિન પટેલ, હરિશ વ્યાસ અને અનિલ મજેઠીયા ઉપસ્થિત રહ્યા હતા અને કમિશનર રાવને તેમના નિવૃત્તિ કાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.