ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુરના ગિરિરાજસિંહ નાથુભા રાણાએ ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અને લૂંટની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના રિલાયન્સ સ્માર્ટ બજાર નજીક બની હતી.

ફરિયાદી, જેઓ પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન સંસ્થામાં કચ્છ જિલ્લા મંત્રી તરીકે સેવા આપે છે , તેમણે જણાવ્યું કે તેઓ ૧૫ જુલાઈ, ૨૦૨૫ ના રોજ સાંજે ૫:૧૫ વાગ્યે રિલાયન્સ સ્માર્ટ બજાર, ગાંધીધામ ઉપર આવેલી જીઓ ઓફિસમાં સિમકાર્ડના કામથી ગયા હતા. ત્યાં સફાઈકર્મી દ્વારા તેમની ઉપર દારૂની ખાલી બોટલો અને બિયરના ટીન ફેંકવામાં આવ્યા હતા. આ અંગે તેમણે જીઓના મેનેજર વિરેન્દ્રસિંહ વાળાને જાણ કરી હતી.

ત્યારબાદ, ફરિયાદી રિલાયન્સ સ્માર્ટ બજારમાં ગયા જ્યાં તેમણે ખરાબ શાકભાજી અને એક્સપાયરી ડેટ (૨૧ મે, ૨૦૨૫) વાળી સોડા જોઈ. તેમણે આ વસ્તુઓનો વિડિયો બનાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, મોલના સ્ટાફે તેમની સાથે ખરાબ વર્તન કર્યું.
ફરિયાદીના જણાવ્યા અનુસાર, મોલના સ્ટાફના ટોળાએ તેમને ઘેરીને તેમનો મોબાઈલ ફોન, ગળાની માળા અને ગાડીની ચાવી બળજબરીપૂર્વક છીનવી લીધા. તેમના મોબાઈલમાંથી અગત્યના વિડિયો અને ફોટા ડિલીટ કરી દેવામાં આવ્યા અને ફોનને નુકસાન પહોંચાડવામાં આવ્યું. તેમને લગભગ એક કલાક સુધી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. એક વ્યક્તિએ “તમે પોલીસ બનીને હપ્તા ઉઘરાવો છો” તેમ કહીને બૂમો પાડી હતી.

ફરિયાદીએ પોલીસ કંટ્રોલ રૂમ ૧૦૦ પર કોલ કરીને ઘટનાની જાણ કરી હતી. તેમના પર ખોટી રીતે પોલીસ હોવાનો આરોપ મૂકી, તેમના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

ગિરિરાજસિંહે જણાવ્યું છે કે આ ઘટનાનું સત્ય રિલાયન્સ સ્માર્ટ બજારના સીસીટીવી ફૂટેજ ચકાસવાથી બહાર આવશે. તેમણે રિલાયન્સ સ્માર્ટ બજારના સ્ટાફના ભરતભાઈ, સંજયભાઈ, જીઓ અને રિલાયન્સ મોલના સિક્યોરિટી ગાર્ડ અને અન્ય ૧૫-૨૦ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજ કરી છે. ફરિયાદીએ પૂર્વ કચ્છના એસ.પી. અને એ ડિવિઝન પી. આઈ. શ્રીને ન્યાય અપાવવા માટે અપીલ કરી છે.