ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ જિલ્લામાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારના આદેશથી એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની ટીમ દ્વારા ગાંધીધામના કિડાણા ગામમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા.
આ કામગીરીમાં ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટી તંત્રને સાથે રાખીને પોલીસ બંદોબસ્ત હેઠળ કુલ 16 ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી. આ દુકાનો આશરે 2400 ચોરસ ફૂટ જેટલી સરકારી જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવી હતી. આ દબાણોને કારણે જાહેર માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હતી અને લોકોની અવરજવરમાં પણ અડચણ પડતી હતી.

કાર્યવાહી દરમિયાન કિડાણા ગામના તળાવના ઓગન પાસે રોડ નજીક આવેલી ગેરકાયદેસર દુકાનો, જેમાં ચા-નાસ્તાની દુકાનો, પંચરની દુકાનો, કે.જી.એન. ચિકન સેન્ટર, લબેક ચિકન એન્ડ ફિશ અને બિસ્મિલ્લા ચિકન સેન્ટરનો સમાવેશ થાય છે, તે તમામ તોડી પાડવામાં આવી હતી.

આ ગેરકાયદેસર બાંધકામો ગત ગુનાઓમાં પકડાયેલા ગકુર જાફર છુછીયા અને અસગર અયુબ કટિયા જેવા અસામાજિક તત્વો દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સરકારી જમીન ખુલ્લી થઈ છે અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાનો મક્કમ સંદેશો આપવામાં આવ્યો છે.
